સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલા મોનાલિસા એપાર્ટમેન્ટમાં એકલા રહેતા 84 વર્ષીય એમીબેન મોતીવાલાની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે. ચોરીના ઈરાદે ઘરમાં ઘૂસેલી 35 વર્ષીય છાયા શાહે આ હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આરોપી તેના 15 વર્ષીય પુત્ર સાથે ભાડાનું મકાન જોવાના બહાને એપાર્ટમેન્ટમાં ગઈ હતી.
13 સપ્ટેમ્બરે મોનાલિસા એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે ફ્લેટ નંબર 16માં એમીબેન ઉર્ફે અમીનાબેન મોતીવાલા (84) એકલા રહેતા હતા. તેમનો ફોન ન ઉપાડતા નજીકમાં જ રહેતા તેમના બહેન ફ્લેટ પર તપાસ કરવા પહોંચ્યા તો ઘરમાંથી એમીબેનની લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી અજાણ્યા હત્યારાની શોધખોળ શરૂ કરી હતી. એપાર્ટમેન્ટમાં કોઈપણ ફ્લોર પર CCTV ન હોવાથી હત્યારાનું પગેરું મેળવવું મુશ્કેલ બન્યું હતું.
11 સપ્ટેમ્બરે છાયા મોનાલિસા એપાર્ટમેન્ટમાં ભાડાનું મકાન જોવા માટે ગઈ હતી. ત્યારે બાજુના ફ્લેટમાં રહેતા એમીબેન મળ્યા હતા અને છાયાને બોલાવીને કહ્યું હતું કે તેઓ અહીં એકલા જ રહે છે. જો છાયા જલદી આવી જાય તો તેમને સથવારો મળી રહે. એકલતાની જાણ થતાં જ છાયાએ ચોરી કરવાનો અને પૈસા પડાવવાનો પ્લાન બનાવી લીધો.
13 સપ્ટેમ્બરે છાયા પોતાના 15 વર્ષના પુત્ર સાથે વૃદ્ધાના ઘરે પહોંચી. એમીબેનને બે દિવસ પહેલા મકાન જોવા આવ્યા હોવાની ઓળખાણ આપી ઘરમાં પ્રવેશ મેળવ્યો. ઘરમાં ગયા બાદ થોડીવારમાં જ છાયાએ તિજોરી ખોલવાનો પ્રયાસ કર્યો, જેથી એમીબેને તેમને ટોક્યા હતા કે તિજોરી શું કામ ખોલો છો? ચોરી પકડાઈ જવાના ડરથી છાયાએ ઉશ્કેરાઈ ઘરમાં પડેલી ઈસ્ત્રી એમીબેનના માથામાં ઝીંકી દીધી હતી અને કેબલથી ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધા હતા.
માતાની આ હરકત જોઈને તેનો 15 વર્ષનો દીકરો ગભરાઈ ગયો. તેણે બૂમો પાડીને માતાને અટકાવતા કહ્યું હતું કે, "મમ્મી આવું નહીં કરીશ, મમ્મી આવું નહીં કરીશ". દીકરાની સતત બૂમાબૂમથી છાયા એટલી ગભરાઈ ગઈ કે તે વૃદ્ધાના શરીર પર રહેલા આશરે 7 તોલા સોનાના દાગીના લૂંટી શકી નહીં. તેણે એક પણ દાગીનાને હાથ અડાડ્યો નહીં. તે માત્ર ઘરમાં પડેલો એક મોબાઈલ ફોન અને થોડી રોકડ રકમ લઈને પોતાના દીકરાને ડરાવીને ત્યાંથી ફરાર થઈ ગઈ.
મૃતકના શરીર પર આશરે 7 તોલા સોનાના દાગીના અકબંધ હોવાથી શરૂઆતમાં પોલીસ માટે આ કેસ પડકારરૂપ બની ગયો હતો, કારણ કે લૂંટનો ઈરાદો સ્પષ્ટ થતો ન હતો. 72 વર્ષીય દુરૈયાબેનની ફરિયાદ બાદ અઠવાલાઇન્સ પોલીસ મથકના સ્ટાફે આસપાસના આશરે 300 જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા અને એક શંકાસ્પદ મહિલાને રિક્ષામાં જતા ટ્રેક કરી.
CCTV અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસની ટીમ નાનપુરા ખારવાવાડ ખાતે બહુમાળી ભવનની પાછળ આવેલા ઇન્દ્રનીલ એપાર્ટમેન્ટમાં રહેતી છાયા શાહના ઘર સુધી પહોંચી. પોલીસે તેમની અટકાયત કરી પૂછપરછ કરતા અને મોબાઈલ લોકેશનના આધારે તપાસ કરતા આરોપી પડી ભાંગી. તેણે અને તેના 15 વર્ષના પુત્રએ પોલીસ સમક્ષ સમગ્ર ઘટનાની કબૂલાત કરી લીધી.
ACP વિજય મલ્હોત્રાએ વિગત આપતા જણાવ્યું કે, પકડાયેલી 35 વર્ષીય આરોપી છાયા શાહ મૂળ રાજકોટની વતની છે અને તેના પતિ વર્ષો પહેલા તેને છોડીને ચાલ્યા ગયા છે. હાલમાં તે સુરતમાં કેરટેકર તરીકે કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે.