સુરતના ઉધના રોડ નંબર 2 પર આવેલી 'ક્રિષ્ના ડાઇંગ મિલ'માં બોઇલર ફાટવાની ઘટના બની છે. આ વિસ્ફોટમાં ચાર શ્રમિકો ગંભીર રીતે દાઝી ગયા છે. તેમને તાત્કાલિક સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર અને બર્ન્સ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.
ફેક્ટરીમાં કામકાજ ચાલુ હતું ત્યારે અચાનક ટેકનિકલ ખામી કે પ્રેશર વધવાને કારણે બોઇલર ફાટ્યું હોવાનું અનુમાન છે. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આખા મિલ પરિસરમાં ગભરાટ ફેલાઈ ગયો અને ભીષણ આગ ભભૂકી ઉઠી. આસપાસના એકમોમાં કામ કરતા શ્રમિકો પણ ગભરાઈને બહાર દોડી આવ્યા હતા.
આ ઘટનામાં વિકાસ કદમ (34), સૂરજ (21), દીપક પાટીલ (36) અને કરણ (34) નામના ચાર કામદારો ગંભીર રીતે દાઝી ગયા છે. સિવિલ હોસ્પિટલના ડોકટરોના જણાવ્યા મુજબ, ચારેય પીડિતો અંદાજે 50થી 55 ટકા દાઝી ગયા છે અને તેમની હાલત નાજુક છે. 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ફાયર વિભાગને સાંજે 5 વાગ્યે ઓઇલ અને અન્ય સામગ્રીમાં આગ લાગવાનો કોલ મળ્યો હતો. ત્યારબાદ આશરે 6 વાગ્યે બોઇલર બ્લાસ્ટ થતાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી આખા ઇન્ડસ્ટ્રીયલ પરિસરમાં પ્રસરી ગઈ હતી. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની અંદાજે 15 ગાડીઓ અને 80થી વધુ જવાનોએ ભારે જહેમત કરી હતી. હાલ આગ સંપૂર્ણપણે બુઝાવી દેવામાં આવી છે.
બોઇલર બ્લાસ્ટ પાછળનું અસલી કારણ શું હતું અને મિલમાં સેફ્ટીના નિયમોનું પાલન થતું હતું કે નહીં તેની સઘન તપાસ પોલીસ અને ફાયર વિભાગે શરૂ કરી છે.