સત્ય. સાહસ. સંકલ્પ.

સુરત: ઓલપાડ ન્યાય સમિતિ અધ્યક્ષના પુત્રએ દારૂ પીને 10થી વધુ વાહનોને ટક્કર મારી, ધરપકડ

સુરત: ઓલપાડ ન્યાય સમિતિ અધ્યક્ષના પુત્રએ દારૂ પીને 10થી વધુ વાહનોને ટક્કર મારી, ધરપકડ

સુરતના પાલનપુર પાટિયા વિસ્તારમાં પુષ્પક સોસાયટી નજીક 28 ઓક્ટોબરની રાત્રે એક ગંભીર ઘટના બની હતી. ઓલપાડ તાલુકા પંચાયતની ન્યાય સમિતિના અધ્યક્ષ નીરિક્ષા અતુલ રાઠોડના પુત્ર યશ રાઠોડે દારૂના નશામાં કાળા કાચવાળી સ્કોર્પિયો કાર પૂરઝડપે હંકારીને રસ્તા પર ઊભેલા 10થી વધુ વાહનોને ટક્કર મારી હતી. આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.

પ્રત્યક્ષદર્શી રણછોડભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે, રાત્રે લગભગ 10:30થી 11:00 વાગ્યાના સમયે બે કાર – એક સફેદ રંગની વર્ના જેવી અને બીજી કાળા કાચની ફિલ્મ લગાવેલી – એકબીજાની પાછળ રેસિંગ કરી રહી હતી. તેમની ઝડપ 80થી 100 કિમી પ્રતિ કલાકની હતી અને બંને ચાલક નશામાં હોય તેવું સ્પષ્ટ દેખાતું હતું. આગળ સ્પીડબ્રેકર પર એક ટ્રકે બ્રેક મારતાં એક કાર પાછળ ઘૂસી ગઈ અને બીજી કાળી કારે લગભગ 10થી 15 વાહનોને અડફેટે લીધાં. અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ 40 મીટર સુધી પાર્ક કરેલા વાહનો ફંગોળાઈને ક્ષતિગ્રસ્ત થયા હતા.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી યશ રાઠોડ ઓલપાડમાં કરિયાણાની દુકાન ચલાવે છે. તે ઓલપાડથી લગભગ 40 કિલોમીટર દૂર સુરત તેના મિત્રને મળવા આવ્યો હતો. સુરત આવીને બંને મિત્રોએ મિત્રના ઘરે દારૂની મહેફિલ માણી હતી. નશામાં ધૂત થયા બાદ બંને કાર લઈને રોડ પર નીકળી પડ્યા હતા અને પાલનપુર પાટિયા જેવા ગીચ વિસ્તારમાં રેસ લગાવીને અન્ય નિર્દોષ નાગરિકોના જીવ જોખમમાં મૂક્યા હતા.

અકસ્માત બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો હતો અને લોકોએ યશ રાઠોડને પકડીને પોલીસને સોંપ્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરીને પ્રોહિબિશન તેમજ બેદરકારીપૂર્વક વાહન ચલાવવા બદલ ગુનો નોંધ્યો છે અને આરોપીની ધરપકડ કરી છે.