સત્ય. સાહસ. સંકલ્પ.

સુરત: પાલનપુર પાટિયા પાસે નશામાં કાર ચાલકે 15 વાહનોને અડફેટે લીધા, યશ રાઠોડની અટકાયત

સુરત: પાલનપુર પાટિયા પાસે નશામાં કાર ચાલકે 15 વાહનોને અડફેટે લીધા, યશ રાઠોડની અટકાયત

સુરતના પાલનપુર પાટિયા વિસ્તારમાં દારૂના નશામાં ધૂત કારચાલકે બેફામ ડ્રાઇવિંગ કરીને આતંક મચાવ્યો હતો. યશ રાઠોડ નામના ચાલકે પુરઝડપે કાર દોડાવીને એકસાથે 15 જેટલા વાહનોને અડફેટે લીધા હતા. આ ઘટનામાં અનેક વાહનોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો હતો.

મળતી માહિતી અનુસાર, પાલનપુર પાટિયા વિસ્તારમાં પુરઝડપે આવી રહેલી કારના ચાલકે કાબૂ ગુમાવતા રસ્તા પરથી પસાર થઈ રહેલા તથા પાર્ક કરેલા 15 જેટલા વાહનોને ધડાધડ અડફેટે લીધા હતા. અકસ્માત સર્જ્યા બાદ કારચાલકે ઘટનાસ્થળેથી ગાડી ભગાવીને નાસી છૂટવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. જોકે, બનાવને પગલે ભેગા થયેલા લોકોએ કારચાલકને સ્થળ પર જ ઘેરીને ઝડપી લીધો હતો અને પોલીસને સોંપ્યો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં અકસ્માત સર્જનાર કારચાલકની ઓળખ યશ રાઠોડ તરીકે થઈ છે, જે ઓલપાડ ખાતે કરિયાણાની દુકાન ચલાવે છે. આરોપી ઓલપાડથી અંદાજે 40 કિલોમીટર દૂર સુરત ખાતે પોતાના મિત્રને મળવા માટે આવ્યો હતો. સુરત પહોંચ્યા બાદ બંને મિત્રોએ મિત્રના ઘરે દારૂની મહેફિલ માણી હતી. દારૂના નશામાં ધૂત થયા બાદ બંને મિત્રો કાર લઈને રોડ પર નીકળી પડ્યા હતા અને પાલનપુર પાટિયા જેવા ગીચ અને સતત અવરજવર વાળા વિસ્તારમાં જોખમી રીતે કારની રેસ લગાવીને અનેક નિર્દોષ નાગરિકોના જીવ જોખમમાં મૂક્યા હતા.

હાલ પોલીસે દારૂ પીને અકસ્માત સર્જનાર યશ રાઠોડ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, આરોપી યશ રાઠોડે ઓલપાડ તાલુકા પંચાયત ન્યાય સમિતિના અધ્યક્ષ અને ભાજપ નેતા નીરિક્ષા અતુલ રાઠોડનો પુત્ર હોવાનું સામે આવ્યું છે.