સત્ય. સાહસ. સંકલ્પ.

સૂરત: 12 વર્ષ જૂના ડ્રાઇવર હત્યાકાંડનો પર્દાફાશ, નામ બદલીને રહેતો મુખ્ય આરોપી ઝડપાયો

સૂરત: 12 વર્ષ જૂના ડ્રાઇવર હત્યાકાંડનો પર્દાફાશ, નામ બદલીને રહેતો મુખ્ય આરોપી ઝડપાયો

સૂરત: વર્ષ 2012માં થયેલા ચર્ચિત ડ્રાઇવર હત્યાકાંડનો 12 વર્ષ બાદ પર્દાફાશ થયો છે. હજીરાથી દમણ જતા ટ્રક ડ્રાઇવર અનવરખાનની હત્યા અને પ્લાસ્ટિકના દાણાની લૂંટના કેસમાં પોલીસે નામ બદલીને રહેતા મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો છે. આ મામલે પોલીસે છ આરોપીઓની અટકાયત કરી આકરી પૂછપરછ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, ઘટના 20 ઓક્ટોબર 2012ની છે. અનવરખાન નામનો ડ્રાઇવર હજીરાથી રિલાયન્સ કંપનીના પ્લાસ્ટિકના દાણા ભરેલી ટ્રક લઈને દમણ જવા નીકળ્યો હતો. ટ્રકમાં કુલ 27 લાખ રૂપિયાનો મુદ્દામાલ હતો. જોકે, ચાર દિવસ સુધી ન તો ડ્રાઇવર દમણ પહોંચ્યો, ન તો ટ્રક મળી. આખરે પોલીસે તપાસ શરૂ કરી અને હત્યા તથા લૂંટનો ભેદ ઉકેલવામાં સફળતા મળી.

તપાસમાં સામે આવ્યું કે આ સાજિશ રામ નરેશ ઉર્ફે નરેશકાકા વિશ્વકર્માના ભેજાની ઉપજ હતી. રામ નરેશ પહેલાં PRC લોજિસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડમાં નોકરી કરતો હતો, પરંતુ તેના આડા-અવળા ધંધાના કારણે કંપનીએ તેને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો. કંપની પાસેથી બદલો લેવાના ઇરાદે તેણે બાકીના આરોપીઓ સાથે મળીને આખો પ્લાન બનાવ્યો. બાકીના આરોપીઓ પણ ભૂતકાળમાં આ જ કંપનીમાં નોકરી કરતા હતા, જેમાંથી કેટલાકે પોતાની રીતે નોકરી છોડી દીધી હતી અથવા તો કેટલાકને કાઢી મૂકાયા હતા.

કંપનીમાં જૂના સંપર્કો હોવાના કારણે બધા આરોપીઓને ખબર હતી કે અનવરખાન પ્લાસ્ટિકના દાણા ભરેલી ટ્રક લઈને દમણ જવાનો છે. જોકે, અનવરખાન એ વાતથી બિલકુલ અજાણ હતો કે કંપનીમાં અગાઉ નોકરી કરી ચૂકેલા કેટલાક ડ્રાઇવર્સના મનમાં બદલાની આગ સળગી રહી છે. વીરેશ યાદવ, સર્વેશ યાદવ, લલ્લા ઉર્ફે સૂરજ અને વિજયકુમાર ઉર્ફે મોન્ટુ, આ એવાં નામ હતાં જે કંપનીના રૂટ, ડ્રાઇવરોની ટેવો અને માલની કિંમતથી સારી રીતે વાકેફ હતા.

ઘટનાના દિવસે રિલાયન્સના ગેટથી થોડે દૂર અંધારામાં અને અવાવરું રસ્તા પર સર્વેશ, વીરેશ અને લલ્લો ગોઠવાઈ ગયા. જેવો અનવરખાન પોતાનો ટ્રક લઈને આ રસ્તેથી નીકળ્યો કે ત્રણેય બરાબર ટ્રકની સામે આવીને ઊભા રહી ગયા. ત્રણેય ઓળખીતા હોવાના કારણે અનવરે ટ્રક રોક્યો. સર્વેશે પૂછ્યું, 'તું દમણ તરફ જાય છે ને?' અનવરે હા પાડતાં સર્વેશે કહ્યું, 'અમારે પણ એ તરફ કામ છે તો અમને લેતો જઇશ?' અનવરે કોઈ વાંધો ન હોવાનું કહીને ત્રણેયને ટ્રકમાં બેસાડી લીધા.

વીરેશ ડ્રાઇવરની પાછળની સીટ પર બેઠો, જ્યારે લલ્લો અને સર્વેશ ડ્રાઇવરની બાજુમાં બેસી ગયા. રસ્તામાં સર્વેશે અનવરને કહ્યું કે હું તને એક રસ્તો બતાવું છું, જેથી ટોલ ટેક્સ બચે. ચીખલીથી નવસારીની વચ્ચે ટ્રક દોડી રહ્યો હતો ત્યારે બધાએ ચા પીવાની વાત કરી. અનવરખાન પણ સહમત થઈ ગયો. હાઇવે પર આવેલી કોઈ હોટેલ પર ટ્રક ઊભો રાખતાં પહેલાં અનવરને લઘુશંકા લાગી, એટલે તેણે એક અવાવરૂ જગ્યાએ ટ્રક ઊભો રાખ્યો. ટ્રક બંધ કરીને થાક ઉતારતો હોય તેમ તેણે બંને હાથ ઉપર કર્યા અને આળસ મરડી. આ જ ક્ષણ તેના માટે કાળ બનીને ત્રાટકવાની હતી.

પાછળની સીટ પર બેઠેલા વીરેશે અનવરખાનના ગળામાં વાયર વિંટાળી દીધો અને જોરથી આંટી મારી દીધી. બાકીના બંને આરોપીઓએ છૂટવા માટે તરફડિયા મારી રહેલા અનવરખાનના હાથ-પગ પકડી લીધા. વીરેશે જેટલું જોર હોય તેટલું લગાવ્યું અને થોડી જ વારમાં અનવરનું શરીર હલતું બંધ થઈ ગયું. શ્વાસ રૂંધાઈ જવાથી તેનું મોત નીપજ્યું. જોકે, આરોપીઓના મનમાં હજી પણ ડર હતો કે અનવર ક્યાંક જીવી જશે તો અમે પકડાઈ જઈશું, એટલે તેમણે ડ્રાઇવર કેબિનની અંદર જ તીક્ષ્ણ હથિયારથી અનવરખાનના ગળા પર ઊંડો ઘા માર્યો. આ સાથે જ લોહીના ફુવારાથી કેબિન, સીટ અને આરોપીઓનાં કપડાં ખરડાઈ ગયાં. અનવરની લાશને ઉઠાવીને ડ્રાઇવરની સીટની પાછળ મૂકીને ઢાંકી દીધી.

હત્યા બાદ પુરાવાનો નાશ કરવાના ઇરાદે ત્રણેય લાશ સાથેનો ટ્રક ગણદેવી રોડ પર દોડાવ્યો. વચ્ચે એક નદી આવતાં લોહીવાળાં કપડાં તેમાં ફેંકી દીધાં અને બીજાં સ્વચ્છ કપડાં પહેરી લીધાં. ત્યાંથી બિલીમોરાનો રસ્તો પકડ્યો. અહીં અવાવરૂ ઝાડીઓમાં જોઈને ટ્રકમાંથી GPS કાઢીને ફેંકી દીધું. 21મી તારીખે GPSનું લોકેશન બંધ થઈ ગયું હતું. આ છેલ્લા લોકેશન પર પુરણસિંહ અને તેના માણસો તપાસ કરવા પહોંચ્યા હતા, પણ તેમને કંઈ મળ્યું નહોતું.

આખરે 12 વર્ષ બાદ પોલીસે નામ બદલીને રહેતા મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસની ટીમ હાલ આરોપીઓની અન્ય સગોત્રી તપાસમાં લાગી છે.