સુરતની નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી ન્યૂ પી.જી. હોસ્ટેલમાં રેસિડેન્ટ ડૉ. હર્ષ પંડ્યાના આત્મહત્યા કેસમાં પોલીસે બે મહિલા ડોક્ટરની ધરપકડ કરી છે. ભાવનગરની 25 વર્ષીય દીક્ષિતા ઘેવરીયા અને રાજુલાની 27 વર્ષીય હિના ભૂતની ખટોદરા પોલીસે ધરપકડ કરી છે.
એસીએસ ઝેડ.આર. દેસાઈના જણાવ્યા અનુસાર, 8 ઓગસ્ટની મધ્યરાત્રિએ ડૉ. હર્ષ પંડ્યાએ હોસ્ટેલમાં આત્મહત્યા કરી હતી. આ મામલે ફેક્ટ-ફાઈન્ડિંગ અને મેડિકલ કમિટીના રિપોર્ટમાં પ્રાથમિક દ્રષ્ટિએ રેગિંગ થયું હોવાનું સામે આવ્યું હતું. તેના આધારે મૃતકના પિતાએ 15 ઓગસ્ટના રોજ એટ્રોસિટી અને દુષ્પ્રેરણનો ગુનો નોંધાવ્યો હતો.
પોલીસે આ ગુનાની તપાસ હાથ ધરી કેસમાં સંડોવાયેલા કુલ ચાર આરોપી પૈકી બે મહિલા આરોપી દીક્ષિતા ઘેવરિયા અને હિના ભૂતની ધરપકડ કરી છે. રેગિંગ કમિટીના અહેવાલ મુજબ બંનેનો ભોગ બનનારને ત્રાસ આપવામાં અને દુષ્પ્રેરણા કરવામાં સક્રિય રોલ હતો. આ બંને આરોપીઓને કાયદાકીય સમયમર્યાદામાં કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે.
પોલીસ તપાસમાં બે મુખ્ય પ્રકારના પુરાવા રજૂ કરવામાં આવ્યા છે, જેમાં એક રેગિંગ કમિટીનો પ્રાથમિક રિપોર્ટ અને બીજું અન્ય તબીબો દ્વારા આપવામાં આવેલી વોટ્સએપ ચેટ તથા કમ્યુનિકેશનનો સમાવેશ થાય છે, જેમાં ભોગ બનનારને થતી તકલીફો સામે આવી હતી. મૃતકનું એડમિશન માર્ચ-એપ્રિલ મહિનામાં થયું હોવાથી પ્રાથમિક રીતે છેલ્લા ત્રણ-ચાર મહિનાથી તેમને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હતો.
આ કેસમાં હજુ અન્ય બે આરોપી અનુજ મહેશ્વરી અને નિરાલી વસાવેને પકડવાના બાકી છે. તેઓ અગાઉ આગોતરા જામીન અને ક્વોશિંગ પિટિશન માટે કાયદાકીય પ્રક્રિયામાં હતા અને પોલીસની ધરપકડથી બચવા સગા-સંબંધીઓ તથા મિત્રોના ઘરે આશરો લઈ છુપાતા ફરતા હતા. જેમને પકડવા પોલીસની તપાસ ચાલી રહી છે.