સત્ય. સાહસ. સંકલ્પ.

સુરતમાં દિવાળીની રાત્રે યુવકોની બેફામ હરકતો: ચાલુ કારમાં ફટાકડા ફોડ્યા, રસ્તા પર રોકેટ છોડ્યા

સુરતમાં દિવાળીની રાત્રે યુવકોની બેફામ હરકતો: ચાલુ કારમાં ફટાકડા ફોડ્યા, રસ્તા પર રોકેટ છોડ્યા

સુરતમાં દિવાળીના તહેવાર દરમિયાન પાલ વિસ્તારમાં કેટલાક યુવકોએ જાહેર રસ્તા પર જોખમી હરકતો કરી હોવાની ઘટના સામે આવી છે. થાર કારમાં સવાર યુવકોએ ચાલુ ગાડીમાં ફટાકડા ફોડીને આતશબાજી કરી હતી. એક હાથે કારનું સ્ટિયરિંગ પકડીને બીજા હાથે સ્કાય શૉટ્સ છોડતા યુવકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

આ ઉપરાંત પાલ આરટીઓ પાસે પણ કેટલાક યુવકોએ રોકેટને આકાશમાં છોડવાને બદલે જાહેર રસ્તા પર આડાં ફોડ્યા હતા. પરિણામે રોકેટ રસ્તા પર દોડતાં ક્યાંક ડિવાઇડર સાથે તો ક્યાંક અન્ય વાહનો સાથે અથડાયા હતા. આ ઘટનાઓમાં બાઇકચાલક અને કારચાલકોને નુકસાન થયું હોવાની વિગતો પણ સામે આવી છે.

આવી બેદરકારીભરી હરકતોથી રસ્તા પર પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓની સુરક્ષા ગંભીર રીતે જોખમમાં મુકાઈ હતી. જાહેર માર્ગ પર વાહનોની અવરજવર વચ્ચે આ પ્રકારની આતશબાજીથી મોટા અકસ્માતની શક્યતા હતી. આ યુવકોની જોખમી હરકતોના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને પાલ પોલીસે વાયરલ વીડિયોના આધારે તપાસ શરૂ કરી છે. ચાલુ કારમાંથી ફટાકડા ફોડનારા અને જાહેર રસ્તા પર રોકેટ છોડનારા યુવકોની ઓળખ કરવા માટે પોલીસ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. હવે પોલીસ તપાસમાં આ યુવકો કોણ છે અને તેમની સામે કાયદેસરની શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર રહેશે.

ઉલ્લેખનીય છે કે દિવાળીના તહેવાર દરમિયાન સુરત શહેરમાં આગના અનેક બનાવો બન્યા હતા. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આગ લાગવાની ઘટનાઓથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. માંગરોળ જીઆઈડીસીના શુભમ ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં વેસ્ટેજના ગોડાઉનમાં આગ લાગી હતી. તો ઉન વિસ્તારમાં સિદ્ધિકીનગર પાસે પણ આગનો બનાવ સામે આવ્યો હતો. બીજી તરફ અડાજણમાં એલપી સવાણી સ્કૂલ પાસે આવેલા ગીતાંજલિ એપાર્ટમેન્ટના ત્રીજા માળે આગ લાગી હતી, જેમાં ઘરનો સામાન બળીને ખાખ થયો હતો. ફટાકડાના કારણે આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી છે. તો રિંગ રોડ પર કિન્નરી સિનેમા પાસે આવેલા મકાનમાં પણ આગ લાગતા ઘરનો સામાન બળીને ખાખ થયો હતો. આ ઉપરાંત મોટા વરાછાના રિવર વ્યૂ એપાર્ટમેન્ટના બારમા માળે આગ લાગવાની ઘટના બની હતી, જ્યાં ફાયર વિભાગની ટીમે તાત્કાલિક પહોંચી આઠ લોકોને સુરક્ષિત રીતે બચાવ્યા હતા. તમામ બનાવોમાં ફાયર વિભાગની ટીમોએ તાત્કાલિક સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.