સુરતના જાણીતા હીરા ઉદ્યોગપતિ લાલજી પટેલની કંપનીનું વાર્ષિક ટર્નઓવર આજે 7,000 કરોડ રૂપિયા છે. તેમની પાસે પ્રાઇવેટ જેટ તથા બેન્ટલી, રેન્જ રોવર જેવી 15થી 20 લક્ઝુરિયસ કાર છે. પરંતુ તેમની શરૂઆત અત્યંત સામાન્ય પરિસ્થિતિમાં થઈ હતી.
લાલજી પટેલનો જન્મ 28 નવેમ્બર 1955માં ભાવનગર જિલ્લાના ગઢડા તાલુકાના ઉગામેડી ગામમાં થયો હતો. પરિવારની આર્થિક સ્થિતિ સારી નહોતી અને પિતા ખેતી કરતા હતા. તેમણે ગામમાં જ ધોરણ 1થી 8 સુધી અભ્યાસ કર્યો અને ધોરણ 9 તથા 10 રાજકોટના ગુરુકુળમાં રહીને પૂરા કર્યા. તેમનો અભ્યાસ ધોરણ 10 સુધીનો જ છે.
1970માં ધોરણ 10 પાસ કર્યા બાદ તેઓ પિતા સાથે કાલા-કપાસના વેપારમાં જોડાયા. 1975માં તેઓ પહેરેલા કપડાંમાં, ખિસ્સામાં માત્ર ટિકિટનું ભાડું અને લોજના ખર્ચ પેટે 500 રૂપિયા રાખીને સુરત આવ્યા. અહીં તેમણે બે-ત્રણ વર્ષ ઘંટી ઉપર હીરા ઘસવાનું કામ કર્યું.
ધનતેરસ અને દિવાળીના પર્વ નિમિત્તે લક્ષ્મી પૂજનનું વિશેષ મહત્વ હોય છે, ત્યારે સંઘર્ષ વેઠીને સફળતા મેળવનારા ઉદ્યોગપતિઓની વાતચીતની શ્રેણીમાં લાલજી પટેલે પોતાનો અનુભવ વહેંચ્યો છે.
સંપત્તિ કમાવા માટેનો મંત્ર આપતાં તેમણે કહ્યું કે સંપત્તિ સર્જનનું જીવતું ઉદાહરણ વડપ્રધાન નરેન્દ્ર મોદી છે, જે 24 કલાકમાંથી 18 કલાક અથાક પરિશ્રમ કરે છે. જો કોઈ વ્યક્તિ ધંધામાં કે સમાજસેવામાં આટલી ધગશથી મહેનત કરે તો સફળતા મળ્યા વિના રહેતી નથી. ગીતાનું સૂત્ર છે — કર્મ કરો, ફળની ઈચ્છા ન રાખો. મહેનત આપણા હાથમાં છે અને ફળ ઈશ્વરના હાથમાં છે.
શરૂઆતના દિવસો યાદ કરતાં તેમણે જણાવ્યું કે વેપાર માટે કોઈ ધિરાણ આપવા તૈયાર નહોતું. કોઈની ઓફિસે જઈએ તો બે ઓળખાણો આપવી પડતી. કોઈ વિશ્વાસ નહોતું મૂકતું. આ પરિસ્થિતિમાં તેમણે એક જ નિયમ રાખ્યો — સો ટકા નીતિમત્તા અને સમયસર ચુકવણી. ધીમે ધીમે બજારમાં ભરોસો બંધાતો ગયો અને તકોના દરવાજા ખૂલતા ગયા.
ઘરની લક્ષ્મી અંગે તેઓ કહે છે કે કોઈ વ્યક્તિનું નામ આપવાને બદલે હું કહીશ કે અમારા ઘરની લક્ષ્મી માત્ર નીતિમત્તા છે. નીતિ હશે તો લક્ષ્મી આપોઆપ આવશે. વર્ષ 2000 સુધીની સફર સામાન્ય રહી, પરંતુ તે પછી મોટી કમાણી થઈ. પૈસો વ્યવસ્થા માટે જરૂરી છે, પણ તે અંતિમ લક્ષ્ય નથી. માણસ ગમે તેટલો મોટો હોય, બીમાર પડે ત્યારે પૈસા નહીં, નીતિ અને પુણ્ય કામ આવે છે.
યુવાનોને સંદેશ આપતાં તેમણે કહ્યું કે યુવાનોએ સૌથી પહેલાં કોઈપણ પ્રકારના વ્યસનથી દૂર રહેવું જોઈએ. શોર્ટકટ શોધવાને બદલે નીતિમત્તાથી કામ કરવું અને લક્ષ્ય નક્કી કરીને રાત-દિવસ એક કરી દેવું. પરિશ્રમ પ્રામાણિક હશે તો સફળતા ચોક્કસ મળશે.
સફળતા પછીની સમજ અંગે તેમણે કહ્યું કે આંબા પર ફળ આવે ત્યારે ડાળીઓ આપોઆપ નીચે ઢળે છે. એ જ રીતે સંપત્તિ આવે ત્યારે માણસે જમીન પર રહેતાં શીખવું જોઈએ. સફળતા પછી ચગી ન જવું અને નાના માણસને હડધૂત ન કરવો. માણસ જ્યારે પોતાની જૂની પરિસ્થિતિ ભૂલી જાય છે ત્યારે જ ભૂલો કરે છે. નાનપણમાં સૌરાષ્ટ્રમાં એક ટંક ખાવાના પણ સાંસા હતા, એ દિવસો યાદ રહે તો મન ક્યારેય ચલાયમાન થતું નથી.
રૂપિયાની સાચી કિંમત અંગે તેમણે જણાવ્યું કે 1977માં 28 વર્ષની ઉંમરે વેપાર શરૂ કર્યો ત્યારે માત્ર એક લાખ રૂપિયા ભેગા કરવાનું સપનું હતું. પાંચ વર્ષની મહેનત પછી 1980-81માં એક લાખની મૂડી થઈ ત્યારે લાગ્યું કે હવે આખી જિંદગી કોઈ તકલીફ નહીં પડે. પછી મહેનત વધારી અને એક કરોડ થયા ત્યારે પણ સંતોષ હતો. સાચું કહું તો આજની સંપત્તિ કરતાં તે સમયે ઓછી સંપત્તિમાં વધુ આનંદ હતો. એક લાખ રૂપિયા કમાયાનો જે આનંદ હતો, તે આજના અબજો રૂપિયામાં નથી.