સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા સીમાડા ગામ નજીક સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળની છત પર એક પુત્રવધૂએ પોતાની વૃદ્ધ સાસુને સ્નાન કરાવતી વખતે માર માર્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયો સામે આવતાં સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો હતો.
ઘટનાની વિગત મુજબ, સીમાડા ગામમાં આવેલી સ્વામિનારાયણ ગુરુકુળની બાજુમાં એક ખાનગી બિલ્ડિંગ આવેલી છે. ગુરુકુળની છત પર એક મહિલા વૃદ્ધાને નવડાવી રહી હતી, તે દરમિયાન મહિલાએ અચાનક વૃદ્ધા પર હાથ ઉપાડી લાફા મારવાનું શરૂ કર્યું હતું. બાજુની બિલ્ડિંગમાં રહેતા એક નાગરિકે આ ક્રૂરતા જોઈને તરત જ આખી ઘટનાનો વીડિયો મોબાઇલમાં કેદ કરી લીધો હતો.
વીડિયો વાયરલ થતાં જ સરથાણા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. તપાસમાં સામે આવ્યું કે, આ ગુરુકુળમાં પ્યુન તરીકે નોકરી કરતો યુવક પરિવાર સાથે છત પર આવેલા રૂમમાં રહે છે. વીડિયોમાં દેખાતી વૃદ્ધા પ્યુનની માતા છે અને તેની સાથે ગેરવર્તન કરી માર મારનાર મહિલા તેની પુત્રવધૂ કિરણબેન છે. પોલીસે ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈને પુત્ર અને પુત્રવધૂને પોલીસ મથકે બોલાવ્યા હતા.
સરથાણા પોલીસ મથકે પૂછપરછ દરમિયાન કિરણબેને જણાવ્યું કે, છેલ્લા બે વર્ષથી તેઓ સાસુની સેવા કરી રહ્યા છે. સાસુની માનસિક સ્થિતિ સારી ન હોવાથી તેમને સારા-નરસાનું ભાન રહેતું નથી અને તેઓ કપડામાં જ હાજત કરી દેતા હોય છે. છેલ્લા ચાર દિવસથી તેઓ સ્નાન કરવાનો સતત ઇનકાર કરી રહ્યા હતા, જેથી તેમને બળજબરીપૂર્વક સ્નાન કરાવવાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે સાસુ નહાવા દેતા ન હોવાથી તેઓ આવેશમાં આવી ગયા હતા અને આ પ્રકારનું અશોભનીય વર્તન કરી બેઠા હતા. તેમણે પોતાની ભૂલ સ્વીકારી માફી પણ માંગી છે.