સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડ આવાસમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં 22 વર્ષની યુવતીએ પોતાના પિતાની હત્યા કરી નાખી છે. માત્ર મોબાઈલ ફોન મૂકીને ઘરકામમાં મદદ કરવાનું કહેવાથી શરૂ થયેલી ઝપાઝપીમાં આ હત્યા થઈ છે.
મૂળ બિહારના વતની રમેશસિંગ અને સૌરાષ્ટ્રના બોટાદ જિલ્લાના ઢસા નજીક આવેલા જલાલપુર માંડવા ગામનાં મંજુબહેને વર્ષો પહેલાં પ્રેમલગ્ન કર્યા હતા. તેઓ સુરતના કોસાડ આવાસમાં પોતાના પરિવાર સાથે રહેતા હતા. તેમની 22 વર્ષની દીકરી કાજલ મોબાઈલમાં સતત વ્યસ્ત રહેતી હતી. દીકરીની આ આદત પિતા રમેશસિંગને પસંદ ન હતી, અને તેઓ વારંવાર તેને મોબાઈલ મૂકીને ઘરકામમાં મદદ કરવા ટપારતા હતા.
ગત રાત્રે પણ પિતાએ દીકરીને મોબાઈલ મૂકી ઘરકામ કરવા અંગે ઠપકો આપ્યો. આ દરમિયાન ગુસ્સે ભરાયેલા પિતાએ દીકરીના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી લીધો. આથી કાજલ ઉગ્ર થઈ ગઈ અને તેણે રસોડામાંથી ચાકુ અને કૂકરનું ઢાંકણું લઈને પિતા પર હુમલો કર્યો. ચાકુના ઘા અને કૂકરના ઢાંકણાથી તેણે પિતાના પેટમાં ગંભીર ઈજાઓ પહોંચાડી, જેમાં તેમના આંતરડાં બહાર આવી ગયા.
ગંભીર રીતે ઘવાયેલા રમેશસિંગ ઘરની બહાર ઓટલા તરફ ભાગ્યા, પરંતુ વધુ લોહી વહી જવાને કારણે ત્યાં જ ઢળી પડ્યા. પરિવારજનોએ તાત્કાલિક 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સને બોલાવી, પરંતુ મેડિકલ ટીમે ઘટનાસ્થળે પહોંચીને રમેશસિંગને મૃત જાહેર કર્યા.
આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ. સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો. પતિની હત્યા જોઈને આઘાતમાં સરી પડેલાં માતા મંજુબહેને પોતાની જ દીકરી સામે પોલીસ ફરિયાદ નોંધાવી. ફરિયાદના આધારે પોલીસે કાજલની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.