સત્ય. સાહસ. સંકલ્પ.

સુરતમાં સાયબર ફ્રોડ ગેંગ ઝડપાઈ, બે આરોપીની ધરપકડ, ₹18.37 લાખનો મુદ્દામાલ જપ્ત

સુરતમાં સાયબર ફ્રોડ ગેંગ ઝડપાઈ, બે આરોપીની ધરપકડ, ₹18.37 લાખનો મુદ્દામાલ જપ્ત

સુરતમાં સાયબર ફ્રોડ કરતી એક ગેંગનો પર્દાફાશ થયો છે. શહેરના કડોદરા વિસ્તારમાંથી સાયબર સેલ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની સંયુક્ત ટીમે બે આરોપીઓની ધરપકડ કરી છે.

પોલીસે આરોપીઓ પાસેથી કુલ ₹18.37 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જપ્ત કરાયેલા સામાનમાં આઠ મોબાઈલ ફોન, બે લેપટોપ, એક આઈપેડ, 124 સિમ કાર્ડ, વિવિધ બેન્કોની પાસબુક, ચેકબુક અને 19 ક્રેડિટ કાર્ડનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આરોપીઓ પાસેથી ₹16.10 લાખ રોકડા પણ મળી આવ્યા છે.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ પ્રતિબંધિત ગેમિંગ એપ્સની લિંક મોકલીને અને સોશિયલ મીડિયા પર લોભામણી જાહેરાત આપીને લોકોને છેતરતા હતા. છેતરપિંડીની રકમ લેવા માટે તેઓ બોગસ બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કરતા હતા. આટલી મોટી સંખ્યામાં સિમ કાર્ડ અને બોગસ બેન્ક એકાઉન્ટ મળવાથી આ નેટવર્ક કેટલું મોટું હશે તે સમજી શકાય છે.

પોલીસ હાલ ધરપકડ કરાયેલા આરોપીઓના મોબાઈલ અને બેન્ક વિગતોના આધારે વધુ તપાસ કરી રહી છે. તપાસમાં અન્ય લોકોની સંડોવણી પણ બહાર આવી શકે છે. સાયબર ક્રાઈમથી બચવા માટે ઓનલાઈન જાહેરાતો અને અજાણી લિંક પર ક્લિક કરતા પહેલાં સાવચેતી રાખવી અને તેની ચકાસણી કરવી જરૂરી છે.