સત્ય. સાહસ. સંકલ્પ.

સુરત સાયબર ક્રાઈમનો મોટો દરોડો: નકલી સ્કીન-કેર કંપનીના માસ્ટરમાઈન્ડ સહિત 5 ઝડપાયા, 160 ટેલિકોલર્સનું કોલ સેન્ટર ખુલ્લું પડ્યું

સુરત સાયબર ક્રાઈમનો મોટો દરોડો: નકલી સ્કીન-કેર કંપનીના માસ્ટરમાઈન્ડ સહિત 5 ઝડપાયા, 160 ટેલિકોલર્સનું કોલ સેન્ટર ખુલ્લું પડ્યું

સુરત શહેર સાયબર ક્રાઈમ સેલે દેશભરની મહિલાઓને બ્યુટી અને હેલ્થ કેર પ્રોડક્ટ્સના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી કરતા એક મોટા આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આરોપીઓએ 'Curest Science & Wellness' જેવી નકલી કંપનીઓ ઊભી કરી સોશિયલ મીડિયા પર જાહેરાત કરતા હતા. મહિલાઓ જ્યારે સંપર્ક કરે ત્યારે તેમની નિર્દોષતાનો ગેરલાભ ઉઠાવી, નકલી મેડિકલ કન્સલ્ટેશન આપી નકલી કે વિપરીત પ્રકારની દવાઓ ઊંચી કિંમતે પધરાવવામાં આવતી હતી. આ સંગઠિત સિન્ડિકેટ સ્કીન કેરના ઓર્ડર સામે વજન ઉતારવાની દવાઓ મોકલી અનેકગણી રકમ વસૂલતું હતું.

સુરત સાયબર ક્રાઈમ સેલમાં તાજેતરમાં નોંધાયેલી એક ફરિયાદમાં મહિલાને વોટ્સએપ પર આરોપીઓએ પોતાની ઓળખ ડૉ. આકાશ મલ્હોત્રા તરીકે આપી હતી. આરોપીઓએ સ્કીનની સમસ્યાના ઈલાજ પેટે Curest Science & Wellness કંપનીના QR કોડ મારફતે ₹8,000 ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધા હતા. જોકે, સ્કીનની દવાના બદલે કુરિયર મારફતે વજન ઘટાડવાની પ્રોડક્ટ મોકલી આપી હતી. ત્યારબાદ અગાઉની રકમ પરત કર્યા વગર સ્કીનની દવા મોકલવાના નામે વધુ ₹9,000 પડાવી ઠગાઈ આચરી હતી. આ અગાઉ પણ સુરતની જ એક મહિલા પાસેથી વજન ઉતારવાની દવાના બહાને આ કંપનીએ માત્ર 5 મહિનામાં કટકે કટકે ₹1,77,40,500 પડાવી લીધા હતા, જેના તાર આ નવી ફરિયાદ સાથે સીધા જોડાયેલા હોવાનું બહાર આવ્યું હતું.

આ સિન્ડિકેટની ગુનો આચરવાની પદ્ધતિ અત્યંત વ્યવસ્થિત અને ચતુરાઈભરી હતી. આરોપીઓ સોશિયલ મીડિયા પર જાહેરાતો ચલાવી કોઈ જાણીતી સ્ટાન્ડર્ડ કુરિયર કંપની મારફતે પાર્સલ મોકલાશે તેવો વિશ્વાસ આપતા હતા, પરંતુ હકીકતમાં ડિજિટલ મની ટ્રેલ છુપાવવા માટે તેઓ દિલ્હી-ગુરુગ્રામથી પોતાની જ ઓફિસના કર્મચારીઓને ફ્લાઇટ કે ટ્રેન મારફતે કુરિયર બોય બનાવી અલગ-અલગ શહેરોમાં મોકલતા હતા. સુરતના અગાઉના કેસમાં 'રાહુલ રાજ' નામ ધારણ કરનાર કુરિયર બોય નિયમિત સુરત આવી મહિલાને પાર્સલ આપી કરોડો રૂપિયા રોકડા દિલ્હી લઈ જતો હતો. કંપની રોકડ કલેક્શન એટલા માટે કરતી હતી જેથી સરકારી એજન્સીઓ કે ઇન્કમટેક્સની નજરમાં તેમનો મૂળ વ્યવહાર ન આવે અને આઈટીઆરમાં કંપની ખોટ કરતી બતાવી શકાય.

સુરત સાયબર ક્રાઈમની ટીમે અગાઉ ટેકનિકલ સર્વેલન્સ ગોઠવી સુરતમાં કેશ લેવા આવેલા કુરિયર બોયને ટ્રેપ કરીને ઝડપી લીધો હતો. તેની આકરી પૂછપરછના આધારે હરિયાણાના ગુરુગ્રામ સ્થિત કંપનીના વિશાળ કોલ સેન્ટર પર રેડ કરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન આશરે 160 જેટલા ટેલિકોલર્સ, હેલ્થ એડવાઈઝર્સ અને કુરિયર બોયઝનો સ્ટાફ હાજર મળી આવ્યો હતો, જેઓ રોજેરોજ દેશભરની સેંકડો મહિલાઓને ફોન કરીને ટાર્ગેટ બનાવતા હતા. તે સમયે સ્થાનિક સ્તરે 4 આરોપીઓને ઝડપી લેવાયા હતા, પરંતુ કંપનીના મુખ્ય સૂત્રધારો, ડિરેક્ટર્સ અને પાર્ટનર્સ સ્થળ પરથી ફરાર થઈ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. સાયબર સેલે પીછો છોડ્યા વિના ટેકનિકલ એનાલિસિસ ચાલુ રાખી તમામ મુખ્ય આરોપીઓની કડી મેળવી લીધી હતી.

સાયબર ક્રાઈમ સેલે લાંબી વોચ બાદ ગુનામાં સામેલ મુખ્ય 5 માસ્ટરમાઇન્ડ્સની ધરપકડ કરી છે. જેમાં 31 વર્ષીય અમિત ગૌરવ અશોકકુમાર ઝા (B.Tech પાસ અને Curest Science તેમજ Glozenic Skin Careનો ડિરેક્ટર), 30 વર્ષીય પંકજ અજયકુમાર શર્મા (BBA પાસ, Curest Science અને Divya Antra Wellnessનો ડિરેક્ટર), 43 વર્ષીય રૂપેશકુમાર સતીશ બત્રા (ધોરણ 10 પાસ, પડદા પાછળનો મુખ્ય માસ્ટરમાઇન્ડ અને પાર્ટનર), 43 વર્ષીય પુનીતકુમાર રાજકુમાર (પાર્ટનર, જેણે કુરિયર બોય ઓમપ્રકાશના નામે Vedic World કંપની ઊભી કરી હતી) અને 24 વર્ષીય દિપકકુમાર સુનીલકુમાર ગુપ્તા (કંપનીનો મેનેજર)નો સમાવેશ થાય છે. આરોપીઓએ લોકોની આંખમાં ધૂળ નાખવા માટે Curest Science ઉપરાંત Vedic World, Divya Antra Wellness LLP અને Glozenic Skin Care નામની 4 નકલી કંપનીઓ બનાવી રાખી હતી.

સુરત સાયબર ક્રાઈમના DCP બિશાખા જૈને સમગ્ર ઓપરેશન અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે, "મહિલા ફરિયાદીએ ₹8,000માં સ્કીનની દવા ઓર્ડર કરી હતી પરંતુ કુરિયર બોય વજન ઘટાડવાની પ્રોડક્ટ આપી રોકડ લઈ ગયો હતો. નવી ફરિયાદ મળતાં વધુ ટેક્નિકલ પુરાવા મળ્યા અને અંડરગ્રાઉન્ડ નેટવર્કનો પર્દાફાશ થયો."