સત્ય. સાહસ. સંકલ્પ.

સુરતમાં ખાડીપૂર મુક્તિનો માસ્ટર પ્લાન ઢીલો, થેન્નારાશને કન્સલ્ટન્ટ એજન્સીને ઠપકો આપ્યો

સુરતમાં ખાડીપૂર મુક્તિનો માસ્ટર પ્લાન ઢીલો, થેન્નારાશને કન્સલ્ટન્ટ એજન્સીને ઠપકો આપ્યો

સુરતમાં ચોમાસું શરૂ થતાં જ ખાડીકાંઠાના વિસ્તારોમાં પાણી ભરાવાની અને લોકોને સ્થળાંતર કરવાની ઘટનાઓ વારંવાર બનતી હોય છે. વર્ષોથી ખાડીપૂરની સમસ્યાનો કાયમી ઉકેલ નથી આવ્યો. મહાનગરપાલિકા અને રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે સર્વે, સમીક્ષા બેઠકો અને માસ્ટર પ્લાનના નામે કામ થાય છે, પરંતુ ચોમાસું પૂરું થતાં જ આ ફાઈલો કબાટોમાં ધૂળ ખાવા લાગે છે.

ખાડીપૂરથી કાયમી મુક્તિ માટે રાજ્ય સરકારના સીધા દેખરેખ હેઠળ અમદાવાદની એચસીપી એજન્સીને માસ્ટર પ્લાન તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. આ એજન્સીએ શરૂઆતમાં ફક્ત ૧૫ દિવસમાં પ્રાથમિક સર્વે રિપોર્ટ આપવાની ખાતરી આપી હતી. પરંતુ બે મહિનાથી વધુ સમય વીતી ગયો છતાં પ્રાથમિક તારણો પણ આવ્યા નથી. બે મહિના બાદ યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં એજન્સીએ ફિલ્ડમાં થયેલી કોઈ નક્કર કામગીરી કે કાયમી ઉપાય રજૂ કરવાને બદલે ફક્ત ડ્રોન સર્વે અને મોડલ રનની તસવીરો બતાવીને હાથ ઊંચા કરી લીધા હતા.

શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી એમ. થેન્નારાશને બેઠકમાં એજન્સીને આડે હાથ લેતાં સ્પષ્ટ કહ્યું કે ‘હવે કાગળ પરના મોડલ નહીં, પરંતુ જમીન પર અમલમાં મૂકી શકાય તેવા ઉકેલો જોઈએ’. આ શબ્દો સાબિત કરે છે કે પૂર નિવારણના મુદ્દે સરકારી તંત્ર અને કન્સલ્ટન્ટ એજન્સીઓ કેટલી બિનજવાબદાર છે. બેઠકોમાં પ્રોજેક્ટર પર સુરતની મુશ્કેલીઓ જોઈને અધિકારીઓ સંતોષ માની રહ્યા છે, જ્યારે વાસ્તવિકતા એ છે કે ખાડી ઊંડી કરવાનું, સફાઈ કે અવરોધો દૂર કરવાનું કોઈ નક્કર કામ શરૂ થઈ શક્યું નથી.

ત્રણ મહિનામાં આખો માસ્ટર પ્લાન તૈયાર કરવાનો હતો, જેમાંથી બે મહિના ફક્ત ફોટોગ્રાફી અને ઈમેજો પાછળ વેડફાઈ ગયા છે. હવે સરકારે એજન્સીને વધુ એક સપ્તાહની આખરી મુદત આપી છે. પ્રશ્ન એ થાય છે કે જે એજન્સી સાઠ દિવસમાં પ્રાથમિક રિપોર્ટ પણ ન આપી શકી, તે એક સપ્તાહમાં જમીની હકીકત બદલી નાખશે? દર ચોમાસે કરોડો રૂપિયાના ટેન્ડરો અને સર્વેના નામે જનતાના પૈસા પાણીમાં વહાવી દેવાય છે, છતાં ફિલ્ડમાં કામગીરી શૂન્ય છે.

દર વર્ષની જેમ આ વખતે પણ વરસાદ શરૂ થશે, ખાડીઓ ઓવરફ્લો થશે, લોકોના ઘરોમાં ગંદુ પાણી ભરાશે અને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન થશે. તંત્ર ફરી એકવાર તાકીદની બેઠકો બોલાવીને આશ્વાસનો આપશે. ચોમાસું વિદાય લેશે એટલે ફરી ફાઈલો બંધ થઈ જશે. તંત્રની આ નિષ્ક્રિયતા અને કન્સલ્ટન્ટ એજન્સીની ઢીલી નીતિને કારણે સ્પષ્ટ દેખાય છે કે સુરતવાસીઓનું ભાગ્ય ફરી એકવાર ખાડીપૂરના ગંદા પાણીમાં ડૂબવાનું જ લખાયેલું છે.