સત્ય. સાહસ. સંકલ્પ.

સુરતમાં ધોરણ-5ની બાળકીએ ઘરમાં ગળેફાંસો ખાઈ જીવ ટૂંકાવ્યો, કારણ અકબંધ

સુરતમાં ધોરણ-5ની બાળકીએ ઘરમાં ગળેફાંસો ખાઈ જીવ ટૂંકાવ્યો, કારણ અકબંધ

સુરતના વરાછા વિસ્તારમાં રહેતા એક પરિવારની ધોરણ 5માં અભ્યાસ કરતી બાળકીએ ઘરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. માતા-પિતા કામ માટે બહાર ગયા હતા ત્યારે બાળકીએ આ પગલું ભર્યું હતું. આટલી નાની ઉંમરે તેણે આપઘાત કેમ કર્યો તેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

વરાછાની સહજાનંદ સોસાયટીમાં રહેતા વિજય કુશવાહાને ત્રણ દીકરીઓ અને એક દીકરો છે. વિજય અને તેની પત્ની કામ પર ગયા હતા ત્યારે ચારેય બાળકો ઘરે જ હતા. સાંજે બાળકોને ટ્યુશન મૂકવા માટે માતા ઘરે આવ્યા. પરંતુ ઘરનો દરવાજો અંદરથી બંધ હતો અને ખૂબ પ્રયત્ન કરવા છતાં ખૂલ્યો નહીં. તેથી પાડોશીઓને બોલાવીને દરવાજો તોડવામાં આવ્યો.

દરવાજો ખૂલતાં જ ધોરણ 5માં ભણતી રોલી કપડા સૂકવવાની દોરી પર ચુંદડી બાંધીને લટકતી હાલતમાં મળી આવી. બાળકીને તાત્કાલિક નીચે ઉતારવામાં આવી, પરંતુ ત્યાં સુધીમાં તેનું મૃત્યુ થઈ ચૂક્યું હતું.

મૃતકના પિતા વિજયે જણાવ્યું કે, "હું અને મારી પત્ની રોજની જેમ કામ પર ગયા હતા. ચારેય સંતાનો ઘરે જ હતા. અમારી ગેરહાજરીમાં દીકરીએ આવું પગલું કેમ ભરી લીધું તે અમને સમજાતું નથી."

આ ઘટનાની પોલીસ તપાસ ચાલુ છે. બાળકીએ આ પગલું કેમ ભર્યું તે અંગે હજુ કોઈ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી.

અગાઉ સુરતમાં જ 13 વર્ષીય એક પુત્રએ માતાના દુપટ્ટાથી ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. ભાઈ-બહેન મસ્તી કરતાં હોવાથી માતાએ તેને ઠપકો આપ્યો હતો, જેનાથી માઠું લાગતાં તેણે ઘરની બહાર સીડીની ગ્રીલ પર લટકીને જીવન ટૂંકાવ્યું હતું.