સુરતની નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી કિડની બિલ્ડિંગમાં અધ્યતન સેવાઓનું આજે (13 સપ્ટેમ્બર) નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું.
આ પ્રસંગે આરોગ્ય મંત્રીએ રેગિંગ અંગે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, કોલેજો અને છાત્રાલયોમાં થતી રેગિંગની ઘટનાઓ ઉચ્ચ અભ્યાસ કરતા અને ભવિષ્યમાં ડોક્ટર બનવા જઈ રહેલા વિદ્યાર્થીઓ માટે અત્યંત શરમજનક છે. સમાજમાં ડોક્ટરોને સૌથી ઊંચો દરજ્જો અને માન-સન્માન મળે છે. આવા આદરણીય પદ તરફ આગળ વધી રહેલા વિદ્યાર્થીઓમાંથી જ્યારે સિનિયર વિદ્યાર્થીઓ પોતાના જ જુનિયર સાથીઓને હેરાન-પરેશાન કરે ત્યારે તે વાત કોઈ પણ રીતે ગળે ઊતરે તેવી નથી. કોઈ પણ વ્યક્તિને આ પ્રકારે શારીરિક કે માનસિક દુઃખ પહોંચાડવું બિલકુલ યોગ્ય નથી.
તેમણે વધુમાં ઉમેર્યું કે, આપણા ધર્મગ્રંથો અને ગીતાના સાર્વત્રિક સંદેશ મુજબ 'જેવું કર્મ કરીશું તેવું ફળ ભોગવવું પડશે'. આપણા સમાજમાં કીડી જેવા અતિ નાના જીવ-જંતુને પણ જીવાડવા માટે કીડિયારું પૂરવાની ઉત્તમ પરંપરા છે. જે સંસ્કૃતિમાં નાનામાં નાના જીવનું પણ રક્ષણ કરવાનું શીખવવામાં આવતું હોય ત્યાં એક માણસ થઈને આપણે બીજા સાથી માણસને કેવી રીતે દુઃખ કે પીડા પહોંચાડી શકીએ? આ પવિત્ર ધરતી મંદિર સમાન છે, જ્યાં હજારો લોકો દુઃખ નિવારણ માટે આવે છે અને અંતઃકરણપૂર્વક આશીર્વાદ આપે છે. આજે જ્યારે આપણે આ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના નવા આઈ.સી.યુ. તેમજ ડાયાલિસીસ સેન્ટર જેવા અદ્યતન વિસ્તરણના લોકાર્પણ નિમિત્તે એકઠા થયા છીએ, ત્યારે આવા સેવાના ધામમાં નકારાત્મક પ્રવૃત્તિઓને બદલે માત્ર સેવા, સમર્પણ અને દર્દીઓના કલ્યાણની ભાવના જ કેન્દ્રસ્થાને હોવી જોઈએ.
હર્ષ સંઘવી અને પ્રફુલ પાનસેરીયાએ હોસ્પિટલની બેડ સહિતની સુવિધાની ચકાસણી કરી.
દક્ષિણ ગુજરાતના દર્દીઓ માટે જીવાદોરી સમાન સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય સેવાઓમાં ઐતિહાસિક વધારો થયો છે. સિવિલ હોસ્પિટલના કિડની બિલ્ડિંગ ખાતે તૈયાર કરાયેલા અધ્યતન અપગ્રેડેશન અને નવીન આરોગ્ય પ્રકલ્પોનું આજે લોકાર્પણ કરી દર્દીઓ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. આ વિસ્તરણથી દક્ષિણ ગુજરાત સહિત આસપાસના વિસ્તારોમાંથી આવતા હજારો ગંભીર દર્દીઓને ખાનગી હોસ્પિટલ જેવી અત્યાધુનિક સારવાર વિનામૂલ્યે અને ઝડપથી મળી રહેશે.
કિડની બિલ્ડિંગ ખાતે ડાયાલિસિસ સેન્ટરની ક્ષમતા 14 બેડથી વધારીને સીધી 30 બેડ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત મેડિકલ ICU તેમજ સર્જિકલ ICU બંને વિભાગોમાં બેડની સંખ્યા 10-10થી વધારીને 20-20 કરવામાં આવી છે. આમ, કુલ 23 આઈસીયુ તથા 20 કેઝ્યુઅલ્ટી આઈસીયુ મળીને કુલ 43 જેટલા ક્રિટિકલ આઈસીયુ બેડનો જંગી વધારો થયો છે. બેડની સંખ્યા બમણી થવાથી ગંભીર સ્થિતિમાં આવતા દર્દીઓનો વેઇટિંગ પિરિયડ નહિવત થઈ જશે અને દર્દીઓને દાખલ થવા માટે લાંબી રાહ જોવી પડશે નહીં.
હોસ્પિટલના ઇમરજન્સી વિભાગનું ખાસ અપગ્રેડેશન કરવામાં આવ્યું છે, જેમાં વેન્ટીલેટર, સીરીન્જ પમ્પ અને મલ્ટી-પેરા મોનિટર જેવા આધુનિક સાધનોથી સજ્જ 30 બેડ ઉપલબ્ધ કરાયા છે. અકસ્માત કે ગંભીર બીમારીમાં આવતા દર્દીઓને ગોલ્ડન અવરમાં જ તમામ અત્યાધુનિક લાઇફ-સપોર્ટ સારવાર સ્થળ પર જ મળી જશે. દરેક ક્રિટિકલ બેડ સાથે મોનિટરિંગ સાધનો જોડાયેલા હોવાથી તબીબો દર્દીના સ્વાસ્થ્ય પર ચોકસાઈપૂર્વક નજર રાખી શકશે.
સુરત શહેર દેશભરમાં અંગદાનનું હબ બની રહ્યું છે ત્યારે બ્રેઈન-ડેડ દર્દીઓની વધુ સારી દેખભાળ માટે કિડની બિલ્ડિંગમાં ખાસ 3 બેડનું ડેડિકેટેડ ‘આઇસોલેશન આઇ.સી.યુ.’ કાર્યરત કરવામાં આવ્યું છે. ઓર્ગન ડોનેશનના દર્દીઓ માટે વિશેષ આઈસોલેશન વ્યવસ્થા ઊભી થવાથી અંગોનું સાચવણી અને મેનેજમેન્ટ શ્રેષ્ઠ રીતે થશે, જેનાથી જરૂરિયાતમંદ અન્ય દર્દીઓને સમયસર નવું જીવન આપવાની પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બનશે.
હોસ્પિટલ કેમ્પસમાં આવતા દર્દીઓ અને તેમના સ્વજનોને માર્ગદર્શન આપવા માટે ‘સાકેત ગ્રુપ’ના સહયોગથી સવારે 8 થી બપોરે 2 અને બપોરે 2થી રાત્રે 8 વાગ્યા સુધી (કુલ 12 કલાક) અવિરત ‘હેલ્પ ડેસ્ક’ સેવા શરૂ કરવામાં આવી છે.