સત્ય. સાહસ. સંકલ્પ.

સુરત નવી સિવિલમાં દોઢ મહિનામાં બીજા રેસિડેન્ટ ડૉક્ટરનો આપઘાત, હાથની નસ કાપી

સુરત નવી સિવિલમાં દોઢ મહિનામાં બીજા રેસિડેન્ટ ડૉક્ટરનો આપઘાત, હાથની નસ કાપી

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દોઢ મહિનાના અંતરાલમાં વધુ એક રેસિડેન્ટ ડૉક્ટરે આપઘાત કર્યો છે. એનાટોમી વિભાગમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા યોગેન્દ્ર પ્રજાપતિએ હાથની નસ કાપી જીવન ટૂંકાવ્યું છે. ઘટના સમયે તેઓ MBBS વિદ્યાર્થીઓની પરીક્ષા કન્ડક્ટ કરાવી રહ્યા હતા. તેમણે ડિસેક્શન હોલ બંધ કરી અંદર જ ધારદાર વસ્તુથી હાથ પર ઘા મારી નસ કાપી લીધી હતી. ઘટનાની જાણ થતાં તેમને ઇમરજન્સીમાં લાવવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતક ડૉક્ટર હોસ્ટેલમાં પત્ની સાથે રહેતા હોવાનું સામે આવ્યું છે.

આ ઘટનાની જાણ થતાં જ હોસ્પિટલ પ્રશાસન અને પોલીસે તપાસ શરૂ કરી છે. જો કે યોગેન્દ્ર પ્રજાપતિના આપઘાતનું કારણ હજુ સામે આવ્યું નથી.

ઉલ્લેખનીય છે કે દોઢ મહિના પહેલા જ સુરત નવી સિવિલમાં હર્ષ પંડ્યા નામના રેસિડેન્ટ ડૉક્ટરે સિનિયર ડૉક્ટરોના રેગિંગ અને ટોર્ચરથી કંટાળીને આપઘાત કર્યો હતો. તે કેસમાં સિનિયર ડૉ. દીક્ષિતા ઘેવરિયા મુખ્ય સૂત્રધાર હોવાનું ખુલ્યું હતું. અન્ય જુનિયર રેસિડેન્ટ્સે પણ સિનિયર તબીબો દ્વારા અમાનવીય વર્તન અને “અમે તમારા બોસ, તમે અમારા નોકર” કહીને પરેશાન કરવાનો આરોપ લગાવ્યો છે. હર્ષ પંડ્યાના આપઘાત મામલે જવાબદાર ચારેય તબીબો સામે રેગિંગના નામે ટોર્ચર કરવા બાબતે ખટોદરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. એક ફરિયાદ નોંધાઈ છે અને ED ઉપરથી બીજી ફરિયાદ નોંધાવાની પણ શક્યતા છે.

મૃતક હર્ષ પંડ્યાના પિતાના આક્ષેપ મુજબ છેલ્લા 7 વર્ષમાં 6 આત્મહત્યાના બનાવો સામે આવ્યા છે અને છેલ્લા બે મહિનામાં આ બીજો બનાવ છે. આમ, સુરત નવી સિવિલમાં ત્રણ મહિનામાં ત્રણ તબીબોની આત્મહત્યા સામે આવી છે. આ ઘટનાઓએ હોસ્પિટલના તંત્ર સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.