સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ફરી એક રેસિડેન્ટ ડૉક્ટરના આપઘાતની ઘટના સામે આવી છે. એનાટોમી ડિપાર્ટમેન્ટમાં ત્રીજા વર્ષના વિદ્યાર્થી ડૉ. યોગેન્દ્ર દિલીપ પ્રજાપતિએ ધારદાર વસ્તુ વડે પોતાના હાથની નસ કાપીને જીવન ટૂંકાવ્યું છે. ઘટનાની જાણ થતાં હોસ્પિટલ સ્ટાફ અને પોલીસ સ્થળ પર દોડી આવ્યા હતા.
પોલીસે આ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે. તબીબે કોઈ કારણોસર આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે, જોકે હજુ સુધી કારણ સ્પષ્ટ થઈ શક્યું નથી.
ઉલ્લેખનીય છે કે, ગયા દોઢ મહિનામાં સુરત નવી સિવિલમાં આ બીજો આપઘાત છે. ગત મહિને ડૉ. હર્ષ પંડ્યાએ 9 ઓગસ્ટના રોજ હોસ્પિટલની હોસ્ટેલના રૂમ નં. 1005માં ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. તેમના પિતાની ફરિયાદના આધારે એન્ટી-રેગિંગ સ્ક્વોડે 24 કલાકમાં રિપોર્ટ રજૂ કરીને ચાર સિનિયર તબીબો—ડૉ. નિરાલી વસાવે, ડૉ. અનુજ મહેશ્વરી, ડૉ. દીક્ષિતા ઘેવરિયા અને ડૉ. હિના ભૂત—ને 6 મહિના માટે સસ્પેન્ડ કર્યા હતા. ત્યારબાદ ખટોદરા પોલીસ મથકે ચારેય આરોપી ડૉક્ટરો સામે આત્મહત્યાની દુષ્પ્રેરણા (BNS 108), ગેરકાયદે અટકાયત (BNS 127(2)), ઈરાદાપૂર્વક અપમાન (BNS 352), ગુનામાં મદદગારી (BNS 54) તેમજ એટ્રોસિટી એક્ટની કલમ 3(2)(v) હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
આત્મહત્યા કોઈ પણ સમસ્યાનું સમાધાન નથી. જો તમે અથવા તમારા પરિચિત કોઈ માનસિક તણાવ અનુભવી રહ્યા હોવ, તો ગુજરાત સરકારની હેલ્પલાઇન 'જીવન આસ્થા' (1800 233 3330) પર 24 કલાક નિષ્ણાતો દ્વારા વિનામૂલ્યે અને ખાનગી રીતે કાઉન્સેલિંગ મળી શકે છે.