સુરતમાં એક ચાલુ લક્ઝરી બસમાં નાનું બાળક દરવાજા પાસે આવી જતાં રસ્તા પર પટકાયાની ઘટના સામે આવી છે. આ ઘટનાનો સીસીટીવી વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સદનસીબે બસ ડ્રાઈવરની સતર્કતાને કારણે બાળકને કોઈ ગંભીર ઈજા થઈ નથી.
વાયરલ સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે બાળક રમતાં રમતાં બસના ખુલ્લા દરવાજા પાસે જાય છે. તે સમયે માતા-પિતા પોતાની વાતોમાં વ્યસ્ત હોય તેવું લાગે છે. બાળક દરવાજા નજીક પહોંચતાં જ બસ ડ્રાઈવરની નજર તેના પર પડે છે અને તે ચીસો પાડે છે, પરંતુ તાત્કાલિક કોઈ સામે આવતું નથી. અંતે ડ્રાઈવર બસને ઉભી રાખવા બ્રેક મારે છે, ત્યારે બાળક દરવાજામાંથી નીચે રસ્તા પર પટકાય છે.
ઘટના બાદ બાળકના માતા-પિતા તેને લેવા માટે દોડી આવે છે. બસ ડ્રાઈવરે તરત જ બસ ઉભી રાખી હતી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. બાળકને કોઈ ઈજા થઈ નથી.
આ ઘટના મુસાફરી દરમિયાન બાળકોની સંભાળ રાખવાની કેટલી જરૂરી છે તેની યાદ અપાવે છે. ખાસ કરીને ચાલુ વાહનમાં દરવાજા પાસે બાળકોને એકલા ન છોડવા જોઈએ અને તેમની પર સતત નજર રાખવી જોઈએ.