સત્ય. સાહસ. સંકલ્પ.

સુરતના વેપારીને અમેરિકામાં 4 વર્ષની જેલ, 20 લાખ દંડ... એસિડિટીની દવાના નામે ડ્રગ્સના કેમિકલની હેરાફેરીમાં ઝડપાયો

સુરતના વેપારીને અમેરિકામાં 4 વર્ષની જેલ, 20 લાખ દંડ... એસિડિટીની દવાના નામે ડ્રગ્સના કેમિકલની હેરાફેરીમાં ઝડપાયો

સુરતના વેપારી ભાવેશ લાઠિયાને અમેરિકામાં ફેન્ટેનાઇલ ડ્રગ્સ બનાવવા માટે વપરાતું રસાયણ ગેરકાયદે મોકલવાના ગુનામાં યુએસ કોર્ટે 54 મહિના (સાડા ચાર વર્ષ)ની જેલની સજા સંભળાવી છે. કોર્ટે તેને 24,560 ડોલર (આશરે 20 લાખ રૂપિયા)નો દંડ પણ ફટકાર્યો છે. સજા પૂર્ણ થયા બાદ તેને ભારત ડિપોર્ટ કરવામાં આવશે.

ભાવેશ સુરતની 'રેક્સુટર કેમિકલ્સ' કંપનીનો માલિક છે. તેણે અમેરિકન કોર્ટમાં સ્મગલિંગ અને ડ્રગ્સ બનાવવા માટેનું મુખ્ય કેમિકલ સપ્લાય કરવાનો ગુનો કબૂલ્યો હતો.

તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ, ભાવેશ આંતરરાષ્ટ્રીય કુરિયર અને પાર્સલ દ્વારા યુએસ અને મેક્સિકોમાં કેમિકલ્સ મોકલતો હતો. કસ્ટમ્સ અને તપાસ એજન્સીઓથી બચવા માટે તે પાર્સલ પર ખોટી વિગતો અને બનાવટી લેબલ લગાવતો હતો.

29 જૂન, 2024ના રોજ ન્યૂ યોર્ક મોકલેલા એક પાર્સલ પર 'વિટામિન C' લખેલું હતું. તપાસમાં તેમાંથી '1-Boc-4-piperidone' નામનું પ્રતિબંધિત કેમિકલ મળ્યું, જે ફેન્ટેનાઇલ બનાવવામાં મુખ્ય ઘટક છે.

ઓક્ટોબર 2024માં અમેરિકન એજન્સીના એક ગુપ્ત અધિકારી (અંડરકવર એજન્ટ) સાથેની વીડિયો કોલમાં ભાવેશે 20 કિલો કેમિકલ વેચવાની વાત કરી હતી. તેણે પાર્સલ પર એસિડિટીની દવા (એન્ટાસિડ)નું લેબલ લગાવવાનું નક્કી કર્યું અને 23 નવેમ્બર, 2024ના રોજ તે ન્યૂ યોર્ક મોકલી આપ્યું.

ન્યૂ યોર્કના યુએસ અટર્ની જોસેફ નોસેલા જુનિયરે જણાવ્યું કે, અમેરિકામાં દરરોજ સેંકડો લોકો ડ્રગ્સના ઓવરડોઝથી મૃત્યુ પામે છે, ત્યારે ભાવેશે આ ઝેરી ડ્રગ્સના કેમિકલ્સ સપ્લાય કર્યા. હોમલેન્ડ સિક્યોરિટી ઇન્વેસ્ટિગેશન્સના એજન્ટ પીટ ગિઝાસે જણાવ્યું કે, ભારતસ્થિત સપ્લાયર્સ સામે આ એક મોટી સફળતા છે, જેનાથી ડ્રગ્સ સપ્લાય ચેઇન તોડવાનો પ્રયાસ થયો છે.