સત્ય. સાહસ. સંકલ્પ.

સુરતના દિલદાર વેપારીએ 20 કર્મચારીઓને થાળીમાં રૂ. 1 લાખનું બોનસ આપ્યું

સુરતના દિલદાર વેપારીએ 20 કર્મચારીઓને થાળીમાં રૂ. 1 લાખનું બોનસ આપ્યું

સામાન્ય રીતે દિવાળીના તહેવારોમાં કંપનીઓ કર્મચારીઓને મીઠાઈનો ડબ્બો અથવા બોનસના કવર આપીને પતાવી દેતી હોય છે. પરંતુ સુરતના મોટા વરાચામાં કાપડના વેપારી રામસ્વરૂપ મુંડેએ એક અલગ જ પહેલ કરી છે.

તેમણે પોતાના 20 કર્મચારીઓને ચાંદી જેવી ચમકતી પૂજાના થાળીમાં ચલણી નોટોના બંડલ ભરીને આપ્યા હતા. દરેક કર્મચારીને તેમની પત્નીના હાથે રૂ. 1 લાખથી વધુનું રોકડ બોનસ આપવામાં આવ્યું હતું.

આ બોનસમાં ₹10, ₹20, ₹50, ₹100, ₹200 અને ₹500 સુધીની નોટોના અલગ-અલગ બંડલ હતા. થાળીમાં નોટોના થપ્પા જોઈને કર્મચારીઓ ભાવુક થઈ ગયા હતા. કેટલાક કર્મચારીઓની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા.

વેપારી રામસ્વરૂપ મુંડેએ જણાવ્યું કે, "આ કર્મચારીઓ માત્ર મારી દુકાનમાં કામ કરતા નથી, તેઓ મારો પરિવાર છે. આખું વર્ષ તેઓ પરસેવો પાડીને મારો વેપાર ચલાવે છે, તો દિવાળીએ તેમના ઘરમાં પૈસાની તંગી કેમ રહે? હું ઈચ્છતો હતો કે દરેક કર્મચારીના ઘરમાં દિવાળીની ખરીદી રોકડા રૂપિયાથી થાય અને તેમના ચહેરા પર સાચું સ્મિત આવે."

કર્મચારી રેખાબેન ભલાડાએ જણાવ્યું કે, તેમને આવા અણધાર્યા બોનસની કલ્પના પણ નહોતી. તેમણે કહ્યું કે, આ આર્થિક સહાય તેમના ઘર ખરીદવાના સ્વપ્નને સાકાર કરવામાં મદદરૂપ થશે.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો કોમેન્ટમાં લખી રહ્યા છે કે, "શેઠ દિલદાર હોય તો આવા જ હોવા જોઈએ." કેટલાક યુઝર્સ મજાકમાં આ દુકાનનું સરનામું પૂછી રહ્યા છે જેથી તેઓ પણ ત્યાં નોકરી કરી શકે.