સત્ય. સાહસ. સંકલ્પ.

સુરતમાં પ્રેમસંબંધ તૂટતાં બિલ્ડર પુત્રએ વેપારીનું અપહરણ કર્યું, પોલીસે કલાકોમાં છોડાવ્યો

સુરતમાં પ્રેમસંબંધ તૂટતાં બિલ્ડર પુત્રએ વેપારીનું અપહરણ કર્યું, પોલીસે કલાકોમાં છોડાવ્યો

સુરતના ભીમરાડ-કેનાલ રોડ પર ગુરુવારે મોડી રાત્રે અપહરણની ઘટના સામે આવી છે. પાર્લે પોઈન્ટના સોલીટેર એપાર્ટમેન્ટમાં રહેતા અને BBAનો અભ્યાસ કરતા 24 વર્ષીય રિષભ નાહટાએ તેના બે મિત્રો સાથે મળીને એક કોમ્પ્યુટર વેપારીનું અપહરણ કર્યું હતું. વેપારી રિષભની ગર્લફ્રેન્ડના પિતા છે.

મળતી માહિતી મુજબ, રિષભ છેલ્લા એક વર્ષથી વેપારીની પુત્રી સાથે મિત્રતા ધરાવતો હતો. છેલ્લા બે મહિનાથી યુવતીએ રિષભ સાથે તમામ સંબંધો તોડી વાત કરવાનું બંધ કરી દીધું હતું. આથી અકળાયેલો રિષભ ગુરુવારે મોડી રાત્રે તેના બે મિત્રો સાથે સીધો યુવતીના ઘરે પહોંચી ગયો હતો. તે સમયે યુવતી ઘરે ન હાજર હોવાથી રિષભે તેના પિતા સાથે પુત્રી સાથે વાત કરાવવા બાબતે ઉગ્ર બોલાચાલી કરી હતી.

બોલાચાલી ઉગ્ર બનતા રિષભ અને તેના સાગરીતોએ રાત્રે 10:40 વાગ્યાના અરસામાં વેપારીની નાની પુત્રીની નજર સામે જ પિસ્તોલની અણીએ ધમકાવી પિતાને કારમાં ઉઠાવી ગયા હતા. ચાલુ કારમાં વેપારીને ચપ્પુ વડે ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

પિતાનું પોતાની આંખો સામે જ અપહરણ થતાં જ નાની પુત્રીએ સહેજ પણ ગભરાયા વગર તુરંત 112 નંબર પર કોલ કરીને પોલીસને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતા જોઈ અલથાણ પોલીસે તાત્કાલિક મોબાઈલ સર્વેલન્સ અને ટેકનિકલ ટીમની મદદથી તપાસ શરૂ કરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં સિટીલાઈટ વિસ્તારમાંથી કારને ઘેરી લઈ વેપારીને મુક્ત કરાવ્યા હતા અને ઘટનાસ્થળેથી જ ત્રણેય આરોપીઓને દબોચી લીધા હતા.

પોલીસે આ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે: રિષભ નાહટા, દેવ આહીર અને લક્ષ્મણ રાઠોડ. ગુનામાં વપરાયેલી કાર બિલ્ડર મુકેશ નાહટાની માલિકીની હોવાનું સામે આવ્યું છે. કબ્જે કરવામાં આવેલી પિસ્તોલ દેવ આહીર લઈને આવ્યો હતો, પરંતુ તે પિસ્તોલ કોની પાસેથી લાવ્યો હતો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે પકડાયેલા આરોપી દેવ આહીર અને લક્ષ્મણ રાઠોડ સામે અગાઉ પણ મારામારી અને દારૂ સહિતના ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. સમગ્ર મામલે અલથાણ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.