સુરતના અલથાણ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં રમતાં-રમતાં એક બાળકીને દડો વાગતાં તેના પિતાએ 9 વર્ષના બાળકને માર માર્યો હતો અને જાતિ આધારિત અપમાન કરીને માફી મંગાવી હતી. આ ઘટના 2 ઓક્ટોબરની સાંજે લગભગ 7 વાગ્યે બની હતી.
અલથાણ સ્થિત રાજહંસ સિન્ફોનીયામાં રહેતા અને અઠવાલાઈન્સની પી.ટી. સાયન્સ કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા જાગૃતિબેન સોનાલીયાએ અલથાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમના 9 વર્ષના પુત્ર બિલ્ડિંગના સી અને ડી વિંગ વચ્ચેના કિડ્સ ઝોનમાં મિત્રો સાથે સ્માઈલી બોલથી રમી રહ્યો હતો. રમતાં-રમતાં અચાનક બોલ સોસાયટીમાં જ રહેતા વર્ધાન અમરીશભાઈ શાહની દીકરીને વાગી ગયો હતો.
ફરિયાદ મુજબ, આથી ઉશ્કેરાયેલા વર્ધાન શાહે બાળક પાસે આવીને કહ્યું, 'તું જોઈને નથી રમી શકતો?' અને ઉપરાછાપરી 5થી 6 લાફા ઝીંકી દીધા હતા. બાળકને નીચે પાડી દઈને જાતિ વિશે અપમાનજનક શબ્દો કહીને જબરદસ્તીથી માફી મંગાવી હતી. બાળકના મિત્રોએ ઘરે જાણ કરતાં તેના માતા-પિતા દોડી આવ્યા ત્યારે બાળક અત્યંત ડરી ગયેલી હાલતમાં રડતું હતું, તેના ગાલ પર સોજો આવી ગયો હતો અને ડરના કારણે કપડાંમાં જ પેશાબ થઈ ગયો હતો. બાળકની તબિયત બગડતાં તેને સારવાર માટે ભટાર ખાતેની મૃદુલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
બનાવ બાદ પરિવારે બિલ્ડિંગની ઓફિસમાં જઈ સીસીટીવી ફૂટેજ તપાસતાં આરોપી વર્ધાન શાહ (રહે. ફ્લેટ નં. 719, ઈ-ટાવર, રાજહંસ સિન્ફોનીયા) બાળકને માર મારતો સ્પષ્ટ નજરે પડ્યો હતો.
આ ઘટના બાદ બાળક રાત્રે ઊંઘમાંથી ચમકીને જાગી જતો હતો અને તેને તાવ ચડી ગયો હતો. હાલમાં બાળકની હાલત સ્થિર છે.
અલથાણ પોલીસે આરોપી વર્ધાન અમરીશભાઈ શાહ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ 115(2) તેમજ એટ્રોસિટી એક્ટ 1989ની કલમ 3(1)(r) મુજબ ગુનો દાખલ કર્યો છે. આ મામલાની ગંભીરતાને ધ્યાને રાખી આગળની તપાસ 'એચ' ડિવિઝનના ACP ઝેડ.આર. દેસાઈને સોંપવામાં આવી છે.