સત્ય. સાહસ. સંકલ્પ.

સુરતમાં 40 લાખના 'BOSS SCAM'નો માસ્ટરમાઇન્ડ હરિયાણાથી ઝડપાયો

સુરતમાં 40 લાખના 'BOSS SCAM'નો માસ્ટરમાઇન્ડ હરિયાણાથી ઝડપાયો

સુરત: સુરત સાયબર ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. 40 લાખ રૂપિયાના 'BOSS SCAM'ના માસ્ટરમાઇન્ડને હરિયાણાના ફતેહાબાદથી ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીની ઓળખ 26 વર્ષીય નવીન રાજેન્દર જાટ તરીકે થઈ છે. પોલીસે તેની ધરપકડ કરીને સુરત લાવી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ પહેલા ફરિયાદીના ડિવાઇસમાં શંકાસ્પદ ZIP ફાઇલ મોકલીને હેક કર્યું. ત્યારબાદ કંપનીના માલિકની નકલી વોટ્સએપ પ્રોફાઇલ બનાવીને એકાઉન્ટન્ટનો સંપર્ક કર્યો અને 40 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા.

તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે, ઝડપાયેલો આરોપી સાયબર ઠગાઈ માટે બેંક ખાતાં પૂરા પાડતો હતો અને તેના બદલામાં કમિશન લેતો હતો. આ ખાતામાં 53 લાખથી વધુના નાણાકીય વ્યવહારો થયા હોવાનું જાણવા મળ્યું છે.

સુરત પોલીસે અત્યાર સુધીમાં ફરિયાદીને 18.50 લાખ રૂપિયા પરત અપાવ્યા છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ 87.60 લાખના સમાન પ્રકારના કૌભાંડની ફરિયાદ નોંધાઈ છે.

સાયબર પોલીસે લોકોને અપીલ કરી છે કે, અજાણ્યા નંબર પરથી આવતી ZIP ફાઇલ ક્યારેય ઓપન ન કરવી. જો માલિક કે વરિષ્ઠ અધિકારીના નામે પૈસા મંગાય તો સીધો સંપર્ક કરીને ખરાઈ કર્યા બાદ જ વ્યવહાર કરવો.