સત્ય. સાહસ. સંકલ્પ.

સુરતની ક્રિષ્ના સિલ્ક મિલમાં બોઇલર ફાટતાં ચાર શ્રમિકો 55 ટકા દાઝ્યા, હાલત ગંભીર

સુરતની ક્રિષ્ના સિલ્ક મિલમાં બોઇલર ફાટતાં ચાર શ્રમિકો 55 ટકા દાઝ્યા, હાલત ગંભીર

સુરતના ઉધના રોડ નંબર 2 પર આવેલી ક્રિષ્ના સિલ્ક મિલમાં અચાનક બોઇલર ફાટતાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ધડાકો એટલો જોરદાર હતો કે મિલમાં કામ કરી રહેલા શ્રમિકોમાં નાસભાગ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં ચાર શ્રમિકો દાઝી જતાં તેમની સ્થિતિ ગંભીર છે.

ઇજાગ્રસ્ત થયેલા ચાર શ્રમિકો વિકાસ કદમ (ઉવ. 34), સૂરજ (ઉવ. 21), દીપક પાટીલ (ઉવ. 36) અને કરણ (ઉવ. 34) છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલના ડૉ. શીતલ ખેરડિયાએ જણાવ્યું કે, આ તમામ દર્દીઓ અંદાજે 50થી 55 ટકા જેટલા દાઝી ગયા છે અને હાલ તેમની સારવાર ચાલી રહી છે. 50થી 55 ટકા દાઝેલા હોવાથી અને બાહ્ય ઇજાઓ જોતાં દર્દીઓની સ્થિતિ ગંભીર ગણી શકાય. હાલ પૂરતી આ ચાર દર્દીઓ અંગેની જ માહિતી છે અને અન્ય કોઈ વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ છે કે નહીં તે અંગે હાલ કોઈ ખ્યાલ નથી.

ક્રિષ્ના સિલ્ક મિલમાં રોજિંદી કામગીરી ચાલી રહી હતી, ત્યારે અચાનક કોઈ ટેકનિકલ ખામી કે વધુ પડતા દબાણને કારણે બોઇલરમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. ધડાકો એટલો મોટો હતો કે આસપાસના એકમોમાં કામ કરતા લોકો પણ ગભરાઈને બહાર દોડી આવ્યા હતા. બ્લાસ્ટની સાથે જ મિલમાં આગની જ્વાળાઓ ભભૂકી ઊઠી હતી, જેમાં નજીક કામ કરી રહેલા ચાર કર્મચારીઓ આગની ઝપેટમાં આવી ગયા અને દાઝી ગયા હતા.

દુર્ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને મિલ સંચાલકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચેલી એમ્બ્યુલન્સની ટીમે ચારેય ઇજાગ્રસ્તોને સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. ઇજાગ્રસ્ત થયેલા ચારેય લોકોને હાલ સિવિલ હોસ્પિટલના બર્ન્સ વોર્ડ અને ટ્રોમા સેન્ટરમાં તબીબી સારવાર આપવામાં આવી રહી છે.

ઘટના અંગે જાણ થતાં જ ફાયર ફાઇટરો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની તજવીજ શરૂ કરી. બીજી તરફ, બોઇલર બ્લાસ્ટનું ચોક્કસ કારણ જાણવા તેમજ ફેક્ટરીમાં સલામતીના નિયમોનું પાલન થતું હતું કે નહીં તે અંગે ફાયર વિભાગ અને પોલીસ ટીમ દ્વારા સંયુક્ત તપાસ શરૂ કરાઈ છે.