સત્ય. સાહસ. સંકલ્પ.

સુરત: ભાજપ લઘુમતી મોરચાના પૂર્વ ઉપપ્રમુખના પુત્ર ફરી ડ્રગ્સ સાથે ઝડપાયો

સુરત: ભાજપ લઘુમતી મોરચાના પૂર્વ ઉપપ્રમુખના પુત્ર ફરી ડ્રગ્સ સાથે ઝડપાયો

સુરતમાં ડ્રગ્સના વધુ એક કેસમાં ભાજપ લઘુમતી મોરચાના પૂર્વ ઉપપ્રમુખના પુત્રની ધરપકડ કરવામાં આવી છે. પુણા પોલીસની ટીમે ન્યૂ એપીએમસી ફ્રૂટ માર્કેટ પાસે નાસ્તાની લારી ચલાવતા રેહાન જમીલ અહમદ અંસારીને 3.26 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં ડ્રગ્સ નવસારી બજાર કબ્રસ્તાન નજીકના વિસ્તારમાંથી લાવવામાં આવ્યું હોવાની કબૂલાત કરવામાં આવી હોવાનું અહેવાલમાં જણાવાયું છે.

પોલીસ સૂત્રો અનુસાર, પોલીસને મળેલી બાતમીના આધારે પુણા પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફે ન્યૂ એપીએમસી ફ્રૂટ માર્કેટ સામે ઈન્ટરસિટી ખાડી પુલથી આંજણા ફાર્મ જવાના રોડ પર કાર્યવાહી કરી હતી. અહીં નાસ્તાની લારી ચલાવતા રેહાન અંસારીને રોકીને તપાસ કરવામાં આવી હતી. પોલીસને તેની પાસેથી રૂ.7,800ની કિંમતનું 3.26 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ, મોબાઈલ ફોન, રૂ.300 રોકડા અને ડિજિટલ વજનકાંટો સહિતનો મુદ્દામાલ મળ્યો હતો. કુલ મુદ્દામાલની કિંમત આશરે રૂ.3.90 લાખ હોવાનું અહેવાલમાં જણાવાયું છે. પોલીસની પૂછપરછમાં રેહાને એમ.ડી. ડ્રગ્સ નવસારી બજાર કબ્રસ્તાનના ટેકરા પાછળ આવેલા મચ્છી માર્કેટ પાસેથી નદીમ નામના વ્યક્તિ પાસેથી લાવ્યો હોવાની કબૂલાત કરી હોવાનું જણાવાયું છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રેહાન અંસારીનું નામ અગાઉ જુલાઈ 2024ના સુરતના એમ.ડી. ડ્રગ્સ કેસમાં પણ સામે આવ્યું હતું. તે સમયે સુરત SOG એ ઉધના દરવાજા વિસ્તારની ઓયો હોટલમાંથી એમ.ડી. ડ્રગ્સ સાથે રાજસ્થાનના વિદ્યાર્થી ચેતન શાહુને ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન વિકાસ આહીર અને અનિષ ખાનની પણ ધરપકડ કરવામાં આવી હતી. તે કેસમાં રેહાન અંસારી અને જાવેદને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. અહેવાલ મુજબ, હાલ ઝડપાયેલો રેહાન અંસારી ભાજપ લઘુમતી મોરચાના પૂર્વ ઉપપ્રમુખ જમિલ અંસારી ઉર્ફે જમિલ બિરયાનીનો પુત્ર છે. અગાઉના કેસના અહેવાલોમાં પણ રેહાનનું નામ ડ્રગ્સ સપ્લાય સંબંધિત તપાસમાં સામે આવ્યું હતું.