સુરતમાં ભાજપના શહેર કારોબારી સભ્ય સામે પાલિકાની કરોડો રૂપિયાની કિંમતી જમીન છેલ્લા દસ વર્ષથી કબજે કરીને તેને ભાડે આપીને કમાણી કરવાનો ગંભીર આરોપ મૂકાયો છે. આ બાબતે મ્યુનિસિપલ કમિશનરને ફરિયાદ કરવામાં આવી છે, જેમાં તટસ્થ તપાસ અને યોગ્ય કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.
આરોપ મુજબ, પુણાની ટી.પી. સ્કીમ નંબર 60ના આર-20 (SEWS) અને આર-23 પ્લોટ પર ભાજપ નેતાએ ગેરકાયદે કબજો કરીને તેને ભાડે આપ્યો છે અને નિયમિત ભાડું વસૂલે છે. આ પ્લોટ જાહેર હેતુ માટે અનામત છે, પરંતુ છેલ્લા દસ વર્ષથી તેનો ખાનગી ઉપયોગ થઈ રહ્યો છે.
ફરિયાદી બી.કે. પટેલે કહ્યું છે કે આ ગેરકાયદે કબજો દૂર કરીને જમીન પાલિકાને પરત કરવી જોઈએ, અને પાલિકાને થયેલા આર્થિક નુકસાનની ગણતરી કરીને જવાબદારો પાસેથી વસૂલાત કરવી જોઈએ. આ માટે સેટેલાઈટ તસવીરોના આધારે દસ વર્ષના બાંધકામ અને ઉપયોગની તપાસ કરવાની પણ માંગ છે.
આ મામલે સૌથી મોટો સવાલ એ છે કે, જો ખરેખર પાલિકાની જમીન પર દસ વર્ષથી કબજો હતો તો પાલિકા તંત્રને તેની ખબર કેમ ન પડી? આમ, પાલિકાની દેખરેખ પર પણ પ્રશ્નો ઉઠ્યા છે.