સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલા ભગવતી ઇન્ડસ્ટ્રીઝ પાર્કમાં નિર્માણાધીન સાઇટ પર શુક્રવારે (16મી ઓક્ટોબર) કરુણ ઘટના બની છે. લિફ્ટ ઇન્સ્ટોલ કરવા માટે ખોદવામાં આવેલા પાણી ભરેલા ઊંડા ખાડામાં રમતાં રમતાં પડી જવાથી શ્રમિક પરિવારના બે બાળકોનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે.
મળતી માહિતી અનુસાર, ભગવતી ઇન્ડસ્ટ્રીઝ પાર્કના પ્લોટ નંબર 41 થી 43માં બાંધકામની કામગીરી ચાલી રહી છે. અહીં શુક્રવારે એક શ્રમિક પરિવાર મજૂરીકામ કરી રહ્યો હતો. સાંજના સમયે માતા-પિતા સાઇટ પર કામમાં વ્યસ્ત હતા, ત્યારે તેમના 3 વર્ષીય પુત્ર અલ્કેશ કટારા અને 2 વર્ષીય પુત્રી રીટા કટારા નજીકમાં રમી રહ્યા હતા.
રમતાં રમતાં બંને બાળકો લિફ્ટ માટે ખોદવામાં આવેલા મોટા ખાડા પાસે પહોંચી ગયા, જેમાં પાણી ભરાયેલું હતું. અંધારા કે અસંતુલનને કારણે બંને બાળકો અચાનક આ ખાડામાં પડી ગયા. ઘણો સમય સુધી બાળકો ન દેખાતાં પરિવારે શોધખોળ શરૂ કરી, અને આખરે બંને લિફ્ટના ખાડામાંથી મળી આવ્યા.
ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા અને બાળકોને બહાર કાઢ્યા. બંનેને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યા, પરંતુ ફરજ પરના તબીબોએ અલ્કેશ અને રીટાને મૃત જાહેર કર્યા. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ મામલે ભેસ્તાન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.