સુરતના ઘોડદોડ રોડ પર આવેલી બેન્ક ઓફ બરોડાની મુખ્ય શાખાના સત્તાવાર ઈમેલ પર બેન્કને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો સંદેશો મળ્યો હતો. ઈમેલ મળતાં જ સુરક્ષા તંત્રમાં ખળભળાટ મચ્યો અને આખા વિસ્તારમાં સતર્કતા જાહેર કરવામાં આવી હતી.
માહિતી મળતાં જ સુરત પોલીસ, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બેન્કના કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા બાદ બેન્ક પરિસરને કોર્ડન કરીને ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી.
દિવાળીના તહેવાર દરમિયાન આ ધમકી મળી હોવાથી પોલીસે વધુ સતર્કતા રાખી છે. સાયબર ક્રાઈમની ટીમે પણ ઈમેલ ક્યાંથી અને કોણે મોકલ્યો તે દિશામાં તપાસ શરૂ કરી છે. અગાઉ પણ આવા નકલી ધમકીભર્યા સંદેશા મળ્યા હોવાથી આ ઈમેલ પણ ખોટો હોવાની શક્યતા છે. પરંતુ પોલીસે કોઈ જોખમ લીધા વિના સંપૂર્ણ કાર્યવાહી કરી હતી.