સુરતમાં અન્નપૂર્ણા ખોડલધામના નિર્માણની જાહેરાત બાદ પાટીદાર સમાજમાં વિવિધ ચર્ચાઓએ જોર પકડ્યું છે. કાગવડ ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે સુરતના અંત્રોલીમાં ખોડલધામ બનાવવાની જાહેરાત કરી હતી. ત્યારે હીરા ઉદ્યોગકાર મુકેશ પટેલ અને દિનેશ નાવડીયાએ વરાછામાં અન્નપૂર્ણા ખોડલધામના નિર્માણની જાહેરાત કરી છે.
અન્નપૂર્ણા ખોડલધામના ભવ્ય પ્રોજેક્ટના મુખ્ય સ્વપ્નદ્રષ્ટા તરીકે મુકેશ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે. સંકુલના નિર્માણની મુખ્ય જવાબદારી પણ મુકેશ પટેલ સંભાળશે.
નરેશ પટેલની જાહેરાત બાદ સમાજમાં ઉઠેલી ચર્ચાઓ પર મુકેશ પટેલ અને દિનેશ નાવડીયાએ સ્પષ્ટતા કરી છે કે ખોડલધામ તેમના આસ્થાનું ધામ છે અને રહેશે. પરંતુ અન્નપૂર્ણા ખોડલધામ સેવાનું ધામ બનશે. છેવાડાના માનવી સુધી સેવા પહોંચાડવી અને સમાજના જરૂરિયાતમંદોને મદદરૂપ થવું એ જ તેનો મુખ્ય ઉદ્દેશ રહેશે.
વેલંજામાં 150 વીઘા જમીનમાં અન્નપૂર્ણા ખોડલધામનું નિર્માણ થશે. આ સંકુલને ધાર્મિક આસ્થા પુરતું સીમિત ન રાખતા સામાજિક અને સેવાકીય પ્રવૃતિઓના કેન્દ્ર તરીકે વિકસાવવાનું આયોજન છે. જેમાં વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ, મહિલા સશક્તિકરણ, રોજગારલક્ષી પ્રવૃતિઓ અને ગ્રામ્ય વિસ્તારોના વડીલોની સેવા જેવા કાર્યોને પ્રાધાન્ય અપાશે.