સુરતમાં ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સ (DRI)ની ટીમે 15 ઓક્ટોબરથી દુબઈથી આવતી ઈન્ડિગો ફ્લાઈટ પર સફળ ઓપરેશન હાથ ધરીને રૂપિયા 10 કરોડની કિંમતનું 6.9 કિલો સોનું જપ્ત કર્યું છે. આ કાર્યવાહીથી દાણચોરીના મોટા રેકેટનો પર્દાફાશ થયો છે, જેમાં ફ્રીમાં દુબઈ ટૂરની લાલચ આપીને મુસાફરો પાસે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરાવવામાં આવતી હતી.
આ ઓપરેશન દરમિયાન DRIએ ભરૂચના મુહમ્મદ આરિફ પટેલને ઇન્ટરસેપ્ટ કર્યો હતો, જેની પૂછપરછથી આ રેકેટનો પર્દાફાશ થયો હતો. તપાસમાં બહાર આવ્યું કે દુબઈથી સુરત આવતી ફ્લાઈટ્સમાં દરેક મુસાફરને 500-500 ગ્રામ સોનું ફ્રી ટૂરના બહાને લાવવા માટે આપવામાં આવતું હતું. આ કેસમાં વડોદરાથી ટિકિટ બુક કરાવનારા જીશાનખાન પઠાણની પણ ધરપકડ કરવામાં આવી છે, જ્યારે વડોદરામાં સોનાની ભઠ્ઠી ચલાવનાર પ્રકાશ નારાયણ માને પણ તપાસના સકંજામાં લેવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીઓની સઘન પૂછપરછમાં અનેક અન્ય પેસેન્જરોની પણ આ દાણચોરીમાં સંડોવણી હોવાની વિગતો સામે આવી છે.
આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને બે દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. આ કડક કાર્યવાહીથી સોનાની દાણચોરી કરતા મોટા સિન્ડિકેટનો પર્દાફાશ થયો છે, જેનાથી ભવિષ્યમાં આ પ્રકારના આર્થિક અપરાધો પર અંકુશ આવશે અને સંડોવાયેલા અન્ય મોટા માથાઓ પણ કાયદાના શિકંજામાં આવશે.