સુરતમાં સાયબર ઠગાઈનો એક મોટો કિસ્સો સામે આવ્યો છે. રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)ની મદદથી ફેક વિડિયો બનાવીને લોકોને છેતરવામાં આવતા હતા. સુરત સાયબર ક્રાઈમ બ્રાન્ચે ટેકનિકલ તપાસના આધારે હરિયાણાના નૂહ જિલ્લામાંથી આ ગેંગના બે મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ સાથે એક મોટા આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ થયો છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગ મુખ્યત્વે બે રીતે લોકો સાથે છેતરપિંડી કરતી હતી. પહેલી રીતમાં જૂની નોટ અને સિક્કાની લાલચ આપવામાં આવતી હતી. આરોપીઓએ સાંસદના જાહેરમાં ઉપલબ્ધ ફોટા અને વિડિયોને ChatGPT તથા અન્ય AI ટૂલ્સની મદદથી બદલી નાખ્યા હતા. ત્યારબાદ ફેક Facebook અને Instagram પ્રોફાઈલ તથા 'Govind Bhai' નામનું WhatsApp એકાઉન્ટ બનાવીને લોકોને જૂના સિક્કા અને નોટના બદલામાં લાખો-કરોડો રૂપિયા આપવાની લાલચ આપવામાં આવતી હતી.
બીજી રીતમાં આ ગેંગ ન્યૂડ વિડિયો કોલનું સ્ક્રીન રેકોર્ડિંગ કરીને લોકોને બ્લેકમેલ કરવામાં પણ સક્રિય હતી. લોકોમાં વિશ્વાસ કેળવવા માટે આરોપીઓએ સાંસદના નામે ખોટું PAN Card અને અન્ય ઓળખ દસ્તાવેજો પણ બનાવ્યા હતા. લોકો સોશિયલ મીડિયાની જાહેરાત જોઈને સંપર્ક કરે ત્યારે તેમની પાસેથી Registration Fee, RBI Charge, Verification Fee અને Delivery Chargeના બહાને UPI અને બેંક એકાઉન્ટ મારફતે પૈસા પડાવવામાં આવતા હતા.
સાંસદ ગોવિંદ ધોળકિયાએ આ મામલે સુરત સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ કમિશનર વાબાંગ જામીર, અધિક પોલીસ કમિશનર ડો. કરણરાજ વાઘેલા અને DCP બિશાખા જૈનના માર્ગદર્શન હેઠળ PI એન.આર. પટેલ અને તેમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ હાથ ધર્યું. લોકેશન હરિયાણામાં મળતાં PSI વી.બી. પ્રજાપતિની ટીમે નૂહ જિલ્લાના ઢાઢોલા ગામમાં વેશપલટો કરીને ગુપ્ત વોચ ગોઠવી અને બે આરોપીઓની ધરપકડ કરી.
પકડાયેલા આરોપીઓમાં પરવેઝ આરીફકુમેદાન (ઉંમર 25) અને ઇર્શાદ કુમેદાનસમ્મુ (ઉંમર 30)નો સમાવેશ થાય છે. પોલીસ તપાસ મુજબ, ફેક વિડિયો બનાવવાનું કામ ઇર્શાદ કરતો હતો અને વિડિયોમાં સંપર્ક માટે જે મોબાઈલ નંબર અપાયો હતો તે પરવેઝનો હતો.
આરોપીઓ પાસેથી જુદી-જુદી બેંકોના કુલ 10 બેંક એકાઉન્ટ મળી આવ્યા છે. આ ખાતાઓની NCCRP પોર્ટલ પર તપાસ કરતા જાણવા મળ્યું કે તેમાંથી 4 ખાતાઓ સામે દેશભરમાં કુલ 9 ફરિયાદો નોંધાયેલી છે. આ ગેંગે દેશભરના નાગરિકો પાસેથી અંદાજે રૂ. 9,64,95,464ની માતબર રકમની છેતરપિંડી કરી હોવાનો ખુલાસો થયો છે. તેમના SBI ખાતાઓમાં પણ તાજેતરના સમયગાળામાં લાખો રૂપિયાના શંકાસ્પદ વ્યવહારો (લગભગ રૂ. 7.87 લાખ) મળી આવ્યા છે.
સાયબર ક્રાઈમ પોલીસે નાગરિકોને સાવચેત કરતા જણાવ્યું છે કે સોશિયલ મીડિયા પર જૂના સિક્કા કે નોટના બદલામાં કરોડો રૂપિયાની લાલચ આપતી જાહેરાતોથી દૂર રહેવું. કોઈપણ જાણીતી વ્યક્તિના વિડિયો કે દસ્તાવેજ જોઈને આંધળો વિશ્વાસ ન કરવો. પ્રોસેસિંગ કે ડિલિવરી ચાર્જના નામે કોઈ વ્યક્તિ અગાઉથી નાણાં માંગે તો ક્યારેય ટ્રાન્સફર કરવા નહીં. જો તમે આવી સાયબર છેતરપિંડીનો ભોગ બન્યા હોવ, તો તાત્કાલિક સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કરો.