સત્ય. સાહસ. સંકલ્પ.

સુરતમાં ગેરકાયદે કતલખાના સામે અહિંસા માર્ચ, સાધુ-સંતો અને હજારો લોકો જોડાયા

સુરતમાં ગેરકાયદે કતલખાના સામે અહિંસા માર્ચ, સાધુ-સંતો અને હજારો લોકો જોડાયા

સુરત: ગાંધી જયંતિના દિવસે સુરત શહેરમાં ગેરકાયદે કતલખાના અને ગૌહત્યા બંધ કરવાની માંગ સાથે વિશાળ 'અહિંસા માર્ચ' યોજાઈ હતી. આ માર્ચમાં જૈન અને હિન્દુ સમાજના સાધુ-સંતો તથા હજારો જીવદયાપ્રેમીઓ બેનરો સાથે જોડાયા હતા.

શહેરના ઉમરામાં સરગમ શોપિંગ સેન્ટરથી આ માર્ચ નીકળી હતી. જીવદયાપ્રેમીઓ 'દયા નહીં તો ધર્મ શું, અહિંસા નહીં તો માનવતા શું' અને 'જીવો અને જીવવા દો, આ જ સાચો મંત્ર છે' જેવા બેનરો સાથે રેલીમાં જોડાયા હતા. મહિલાઓએ 'એક જીવની ચીસ બ્રહ્માંડ સુધી પહોંચે છે'ના બેનરો સાથે માર્ચમાં ભાગ લીધો હતો. નાના બાળકો પણ બેનરો સાથે જોડાયા હતા.

આ અહિંસા માર્ચ અઠવાલાઇન્સ સ્થિત કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી. ત્યાં વિવિધ સમાજના અગ્રણીઓ, સાધુ-સંતો અને હજારો જીવદયાપ્રેમીઓની ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું.

ગુજરાત ગૌરક્ષા આયોગના ચેરમેન સાજન ભરવાડે જણાવ્યું હતું કે, આ વિધાનસભાના ધારાસભ્ય હર્ષભાઈ સંઘવી જાતે જૈન છે અને કેન્દ્રના ગૃહમંત્રી પણ જૈન છે. તેમ છતાં ગૌહત્યા બંધ કરાવવા માટે રેલી કાઢવી પડે છે. તેમણે કહ્યું કે, લોકોએ ખોબલે-ખોબલે મત આપીને ગૌહત્યા બંધ થાય, જીવહિંસા અટકે અને લવ જેહાદ જેવા મુદ્દા ડામી શકાય તે માટે સનાતની સરકારને સત્તા પર બેસાડી હતી. પરંતુ આટલા વર્ષો શાસનમાં રહ્યા છતાં આજે એક પણ મૂળભૂત મુદ્દાનો નિકાલ આવ્યો નથી અને ગૌહત્યા અટકવાનું નામ નથી લઈ રહી.

માર્ચના આયોજકો અને જીવદયાપ્રેમીઓએ રજૂ કરેલી માહિતી મુજબ, આરટીઆઈ (RTI)માં સામે આવ્યું છે કે સમગ્ર ગુજરાતમાં માત્ર 8 કતલખાના જ કાયદેસર રીતે કાર્યરત છે, જ્યારે બાકીના તમામ કતલખાના કોઈપણ પરવાનગી વગર ગેરકાયદે ચાલી રહ્યા છે. નિયમ મુજબ આવા ગેરકાયદે એકમો સામે દરોડા પાડી કાયદેસર પગલાં ભરવાની સત્તા જિલ્લા કલેક્ટર પાસે હોય છે. છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ માર્ચના સંચાલકોએ કર્યો છે.

રેલીના આયોજકોએ ચેતવણી આપી છે કે, જો વહીવટી તંત્ર તાત્કાલિક ધોરણે આ ગેરકાયદે કતલખાનાઓ સીલ નહીં કરે, તો સુપ્રીમ કોર્ટના આદેશના ઉલ્લંઘન બદલ જવાબદાર અધિકારીઓ સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ હેઠળ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.