સુરત: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ એટલે કે અહિંસાના દિવસે સુરત શહેરમાં ગેરકાયદે ચાલતાં કતલખાનાઓ સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો. આ કતલખાનાઓ તાત્કાલિક બંધ કરાવવાની માંગ સાથે સાધુ-સંતો, જૈન સાધ્વીજી ભગવંતો અને વિવિધ સમાજના 5,000થી વધુ લોકોની ઉપસ્થિતિમાં 'અહિંસા માર્ચ'નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ માર્ચ સુરતના ઉમરા વિસ્તારમાં આવેલા સરગમ શોપિંગ સેન્ટરથી શરૂ થઈને કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી. રેલીમાં મોટી સંખ્યામાં સાધુ-સંતો, સાધ્વીજી ભગવંતો, વિવિધ સામાજિક સંગઠનોના પ્રતિનિધિઓ અને સામાન્ય નાગરિકોએ ભાગ લીધો હતો. રેલીના અંતે સંતો અને અગ્રણીઓએ જિલ્લા કલેક્ટરને એક વિસ્તૃત આવેદનપત્ર આપ્યું હતું.
આવેદનપત્રમાં જણાવાયું હતું કે સુરત શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં અનેક કતલખાનાઓ ગેરકાયદે રીતે ચાલી રહ્યાં છે, જેના કારણે અહિંસાના મૂલ્યોનું હનન થાય છે. આ તમામ ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે તંત્ર દ્વારા તાત્કાલિક કડક કાનૂની કાર્યવાહી કરીને તેમને કાયમ માટે બંધ કરાવવાની માંગ કરવામાં આવી હતી. આ સાથે ગૌવંશના રક્ષણ માટે ગૌમાતાને 'રાષ્ટ્રમાતા' જાહેર કરવાની માંગ પણ દોહરાવવામાં આવી હતી.
સંતોએ તંત્રને ચેતવણી આપી હતી કે જો ગેરકાયદે ચાલતાં કતલખાનાઓ સામે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે.