સુરતના અડાજણ વિસ્તારમાંથી એક યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું. શેરબજારમાં 15 લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાને કારણે આ અપહરણ કરાયું હતું. અપહરણકર્તાઓએ યુવકના પરિવાર પાસેથી 30 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી.
અડાજણના એલ.પી. સવાણી રોડ પરથી બ્લેક કલરની ફોર વ્હીલ કારમાં યુવકને અપહરણ કરીને લઈ જવામાં આવ્યો હતો. આ ઘટના બાદ અડાજણ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ તરત જ સક્રિય થઈ ગઈ હતી.
પોલીસે આસપાસના વિસ્તારોના 200થી વધુ CCTV કેમેરાના ફૂટેજ ચકાસ્યા હતા. ટેક્નિકલ સર્વેલન્સ અને માહિતીના આધારે અપહરણકર્તાઓનું લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું હતું. ગુજરાત પોલીસે મહારાષ્ટ્ર સરહદ તરફ કડક વોચ ગોઠવી હતી.
મહારાષ્ટ્રના પુણા-અહલ્યાનગર હાઇવે પર આવેલા સુપા ગામ પાસેથી અડાજણ પોલીસે ઓપરેશન પાર પાડ્યું હતું. અપહૃત યુવકને હેમખેમ મુક્ત કરાવવામાં આવ્યો હતો. આ ગુનામાં સંડોવાયેલા મહારાષ્ટ્રના પુણે શહેરના રહેવાસી રવિરાજ પાટીલ, અમોલ ખરમાળે અને મયુર શિંદે નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસે અપહરણમાં ઉપયોગમાં લેવાયેલી મહારાષ્ટ્ર પાસિંગની બ્લેક કલરની ફોર વ્હીલ કાર પણ જપ્ત કરી છે. આ મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની વિવિધ કલમો હેઠળ અડાજણ પોલીસ સ્ટેશનમાં અપહરણ અને ખંડણીનો ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ શરૂ કરવામાં આવી છે.
સુરત પોલીસે સમયસૂચકતા દાખવીને અપહરણ થયેલા યુવકને સહી-સલામત ઉગારીને પરિવારજનોને સુપ્રત કર્યો છે. પોલીસની આ કામગીરીની પ્રશંસા થઈ રહી છે.