સત્ય. સાહસ. સંકલ્પ.

વંદે માતરમ્ ગાવાની ના પાડનારને સજા ન કરી શકાય: સુપ્રીમ કોર્ટ

વંદે માતરમ્ ગાવાની ના પાડનારને સજા ન કરી શકાય: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી: વંદે માતરમ્ ગાવાને ફરજિયાત બનાવતા કાયદા સામે સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ છે. આ અરજી પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સ્પષ્ટ કહ્યું છે કે કોઈ વ્યક્તિ વિવેકપૂર્વક વંદે માતરમ્ ગાવાની ના પાડે તો તેને સજા ન કરી શકાય.

કોર્ટે કેન્દ્રને 1986ના ચુકાદાને ધ્યાનમાં રાખવા જણાવ્યું છે. તે ચુકાદામાં કહેવાયું હતું કે બાળકો વિવેકપૂર્વક વંદે માતરમ્ ગાવાની ના પાડે તો તેમની સામે કાર્યવાહી કરી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે આ મામલે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો છે.

ગાયક ટી.એમ. કૃષ્ણાએ વંદે માતરમ્ માટે ઘડાયેલા કાયદાને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરી છે. જુલાઈમાં સંસદના ચોમાસુ સત્ર દરમિયાન આ બિલ પસાર કરવામાં આવ્યું હતું, જેમાં વંદે માતરમ્ ગાવાનું ફરજિયાત કરવામાં આવ્યું હતું.

સુનાવણી દરમિયાન અરજદાર વતી વરિષ્ઠ વકીલ અને પૂર્વ જજ એસ. મુરલીધરે દલીલ કરી હતી કે સુધારેલા કાયદામાં એ સ્પષ્ટ નથી કે વંદે માતરમ્ કઈ રીતે ગાવું કે અભિવ્યક્ત કરવું. વંદે માતરમ્નું ક્યું સંસ્કરણ રાષ્ટ્રીય ગીત ગણાશે તેની પણ કોઈ સ્પષ્ટતા કર્યા વગર આ કાયદો પસાર કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે માત્ર ઓફિસ મેમોરેન્ડમ દ્વારા આદેશ જારી કરવામાં આવ્યા છે, કોઈ ગેઝેટ બહાર પડ્યું નથી અને કોઈ ચર્ચા વગર જ કાયદો પસાર કરવામાં આવ્યો છે. આથી કાયદાનો દુરુપયોગ થવાની શક્યતા છે.

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી કે બંધારણ હેઠળ કાયદા ઘડાય છે અને તે નક્સલીઓના વિચારો પ્રમાણે ન હોવા જોઈએ. તેમણે 'નક્સલી' શબ્દનો ઉપયોગ કરતાં વરિષ્ઠ વકીલ મુરલીધરે વિરોધ નોંધાવ્યો હતો અને કહ્યું હતું કે કાયદાના અધિકારીએ આવી ભાષા વાપરવી ન જોઈએ. બાદમાં ન્યાયાધીશ જોયમાલ્યા બાગચીએ કહ્યું હતું કે તમે કોઈને નક્સલી કહી શકો, પણ તેના બંધારણીય અધિકારો છીનવી શકાય નહીં.