દેશમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ થયેલા ઈ-ચલણની વસૂલાત માટે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને બાકી દંડ ભરનારા વાહનચાલકોના વાહનો જપ્ત કરવાનો નિર્દેશ આપ્યો છે. એક ચુકાદામાં કોર્ટે જણાવ્યું કે જો વાહન માલિક દંડ ભરવામાં નિષ્ફળ જાય, તો પોલીસ તેમનું વાહન જપ્ત કરી શકે છે.
સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે દેશભરમાં બાકી દંડની રકમ રૂ. 23,000 કરોડથી વધુ છે. આ રકમની વસૂલાત માટે કોર્ટે વાહનોની રેન્ડમ તપાસ કરવા અને બાકી દંડ ધરાવતા વાહનોને જપ્ત કરવા આદેશ આપ્યો છે. 'લાઇવ લૉ' અનુસાર, કોર્ટે ટિપ્પણી કરી હતી કે માત્ર ઈ-ચલણ જારી કરવાથી સમસ્યાનો ઉકેલ આવતો નથી. વસૂલાત સુનિશ્ચિત કરવા માટે વાહન જપ્તીની પદ્ધતિ અપનાવવા કોર્ટે તમામ રાજ્યોને કડક નિર્દેશ આપ્યો હતો.
આ ચુકાદો એસ. રાજાસિકરન વિરુદ્ધ ભારત સરકાર કેસની સુનાવણી દરમિયાન આપવામાં આવ્યો હતો. અગાઉ, કોર્ટે ભારત સરકાર પાસેથી ઈ-ચલણ અંગેની માહિતી માંગી હતી. સરકારના જણાવ્યા અનુસાર, દેશભરમાં કુલ રૂ. 49,000 કરોડના ઈ-ચલણ જારી કરવામાં આવ્યા છે. આમાંથી રૂ. 26,000 કરોડની વસૂલાત થઈ ચૂકી છે, જ્યારે રૂ. 23,000 કરોડની રકમ હજુ બાકી છે.
કોના વાહનો જપ્ત થશે?
1. કોર્ટના ચુકાદા મુજબ, જે વ્યક્તિઓને વારંવાર ઈ-ચલણ ફટકારવામાં આવે છે પરંતુ તેઓ દંડ ભરવામાં નિષ્ફળ જાય છે, તેમના વાહનો જપ્ત થઈ શકે છે. એટલે કે, જો કોઈ વાહન પર એકથી વધુ ઈ-ચલણ બાકી હોય તો પોલીસ તે વાહન જપ્ત કરી શકે છે.
2. ચુકાદામાં જણાવાયું છે કે પોલીસ રસ્તા પર વાહનોની રેન્ડમ તપાસ કરી શકે છે. જો તપાસ દરમિયાન કોઈ વાહન પર બાકી ઈ-ચલણ હોવાનું જણાય, તો તે વાહન જપ્ત (ઈમ્પાઉન્ડ) કરી શકાય છે. જોકે, પોલીસ દ્વારા વાહન અટકાવવામાં ન આવે તો તેને જપ્ત કરી શકાતું નથી.
સુપ્રીમ કોર્ટે તેના આદેશમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ચલણની બાકી રકમની વસૂલાત માટે કડક પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે. આ પગલાંઓમાં વાહન-સંબંધિત ઓનલાઇન સેવાઓ સ્થગિત કરવી, માલિકી હકના હસ્તાંતરણ પર રોક લગાવવી, ફિટનેસ અને PUC (પ્રદૂષણ નિયંત્રણ) પ્રમાણપત્રો ઈશ્યુ કરવાનો ઇનકાર કરવો અને ટ્રાન્સપોર્ટ પોર્ટલ પર વાહનોને બ્લેકલિસ્ટ કરવા જેવી બાબતોનો સમાવેશ થાય છે.