નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ટ્રાફિક ઈ-ચલણની વસૂલાત માટે એક મહત્વપૂર્ણ સૂચન કર્યું છે. કોર્ટે કહ્યું કે જે લોકો ટ્રાફિક ચલણ નથી ભરતા, તેમની રકમ તેમના વીજળી બિલમાં જોડી દેવી જોઈએ. કોર્ટના જણાવ્યા અનુસાર, વ્યક્તિએ વીજળીનું બિલ તો ભરવું જ પડે છે, નહીંતર વીજળી કનેક્શન કાપી નાખવામાં આવે છે. તેથી આ રીતે ચલણની વસૂલાત થઈ શકે છે. દેશમાં આ સમસ્યાનો કોઈ રસ્તો કાઢવો પડશે.
જસ્ટિસ જેબી પારડીવાલાની અધ્યક્ષતાવાળી બેન્ચે કહ્યું કે માત્ર ઈ-ચલણ જાહેર કરતા રહેવું પૂરતું નથી. પોલીસ હજારો-લાખો ઈ-ચલણ જાહેર કરી શકે છે, પરંતુ સાચી મુશ્કેલી તે દંડની વસૂલાતની છે. કોર્ટને જણાવવામાં આવ્યું કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ ઈ-ચલણ હેઠળ 45,000 કરોડ રૂપિયા વસૂલવાના છે. અત્યાર સુધીમાં 25,000 કરોડ રૂપિયાની વસૂલાત થઈ ચૂકી છે, જ્યારે 20,000 કરોડ રૂપિયા હજુ બાકી છે.
સુપ્રીમ કોર્ટે અધિકારીઓને જમીની સ્તર પર થતી વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને કામ કરવાની સલાહ આપી છે. સામાન્ય રીતે ઈ-ચલણ જાહેર થયા પછી તેને દંડ વસૂલવા માટે ચોક્કસ કોર્ટમાં મોકલવામાં આવે છે, જ્યાં વ્યક્તિએ હાજર થઈને દંડ ભરવો પડે છે. પરંતુ આ પ્રક્રિયા ધીમી હોવાથી વસૂલાત પર અસર પડે છે.
કોર્ટે વધુમાં કહ્યું કે જો કોઈ વાહન માલિક ચલણ ન ભરે તો તેના રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC)ના રિન્યુઅલ અને ડુપ્લિકેટ સર્ટિફિકેટ જારી કરવા પર રોક લગાવવી જોઈએ. માલિકી હસ્તાંતરણ (ownership transfer) પણ બ્લોક કરવું જોઈએ. જ્યાં સુધી બધા ચલણ ક્લિયર ન થાય, ત્યાં સુધી ફિટનેસ સર્ટિફિકેટ પણ જારી ન કરવું જોઈએ.
કોર્ટે એમ પણ કહ્યું કે સંબંધિત વાહનોને પરિવહન પોર્ટલ પર બ્લેકલિસ્ટ કરવા જોઈએ. ડ્રાઇવિંગ લાઇસન્સના રિન્યુઅલ પર રોક લગાવવી જોઈએ અને ચાલુ લાઇસન્સને સસ્પેન્ડ કરવાના ઉપાયો પણ કરવા જોઈએ. કોઈ પણ સેન્ટરને PUC સર્ટિફિકેટ જારી કરવાની પરવાનગી ન આપવી જોઈએ. વાહનોનું રેન્ડમ ચેકિંગ થવું જોઈએ. જો ઈ-ચલણની ચૂકવણી ન કરવામાં આવી હોય, તો વાહન જપ્ત કરવા માટે જરૂરી પગલાં લેવા જોઈએ.