નવી દિલ્હી: સડક પર વાહન ચલાવતા પહેલા હવે તમારે એક વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે. ટ્રાફિક નિયમનો ભંગ થાય ત્યારે કપાતું ઈ-મેમો સમયસર ભરી દેવું. કારણ કે ટ્રાફિક ઈ-મેમો ન ભરનારાઓ સામે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે.
માર્ગ સુરક્ષા અંગેની એક જનહિત અરજી પર સુનાવણી કરતી વખતે જસ્ટિસ જે.બી. પારડીવાલાની બેન્ચે ઈ-મેમોની વસૂલાત અંગે મહત્વના સૂચનો આપ્યા છે. કોર્ટે કહ્યું કે જે લોકો બેદરકારીથી વાહન ચલાવે છે અને ઈ-મેમો ભરતા નથી, તેમની દંડની રકમ વીજ બિલ સાથે જોડી શકાય છે. વીજળી વગર રહેવું શક્ય નથી, તેથી આ પગલાથી લોકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ આવે તેવી અપેક્ષા છે.
કોર્ટે ચિંતા વ્યક્ત કરી કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ ઈ-મેમો પેટે લગભગ 45,000 કરોડ રૂપિયાની વસૂલાત કરવાની બાકી છે. અત્યાર સુધી માત્ર 25,000 કરોડ રૂપિયા જ વસૂલી શકાયા છે. કોર્ટના જણાવ્યા પ્રમાણે માત્ર ઈ-મેમો ઈશ્યૂ કરી દેવું પૂરતું નથી, પરંતુ જમીની સ્તર પર કડક પગલાં ભરીને દંડની વાસ્તવિક વસૂલાત સુનિશ્ચિત કરવી પણ એટલું જ જરૂરી છે.
ઈ-મેમો ન ભરવા પર કઈ મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે તે સમજવું જરૂરી છે.
1. અદાલતી સમન, વોરંટ અને ધરપકડ: નિશ્ચિત સમયમાં ઈ-મેમો ન ભરવા પર ટ્રાફિક વિભાગ કેસ ટ્રાફિક કોર્ટમાં મોકલે છે. સમન મળ્યા બાદ પણ વાહન માલિક કોર્ટમાં હાજર ન થાય તો ગેરહાજરીમાં દંડ ફટકારી શકાય છે. વારંવાર અવગણના કરવા બદલ જજ બિનજામીનપાત્ર વોરંટ પણ ઈશ્યૂ કરી શકે છે.
2. ડ્રાઈવિંગ લાઈસન્સ સસ્પેન્ડ અને RC બ્લેકલિસ્ટ: વારંવાર ઈ-મેમો પેન્ડિંગ રાખવા પર ડ્રાઈવિંગ લાઈસન્સ અસ્થાયી રૂપે સસ્પેન્ડ અથવા કાયમ માટે રદ કરી શકાય છે. ઉપરાંત વાહનનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC) પરિવહન પોર્ટલ પર બ્લેકલિસ્ટ કરી શકાય છે, જેથી ગાડી બીજા કોઈના નામે ટ્રાન્સફર થઈ શકશે નહીં.
3. PUC, RTO અને ઈન્સ્યોરન્સના કામ ઠપ: સુપ્રીમ કોર્ટે અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે પેન્ડિંગ ઈ-મેમોવાળા વાહનો માટે પ્રદૂષણ નિયંત્રણ સર્ટિફિકેટ (PUC) ઈશ્યૂ કરવા પર રોક લગાવવામાં આવે. સાથે જ વાહનનું ફિટનેસ સર્ટિફિકેટ, ડુપ્લિકેટ RC અને રિન્યુઅલ પણ અટકાવી દેવાય. ઈન્સ્યોરન્સ રિન્યૂ કરાવવામાં અને FASTag રિચાર્જમાં પણ મુશ્કેલી આવી શકે છે.
4. ઓન ધ સ્પોટ વાહન જપ્તી અને રેન્ડમ ચેકિંગ: સડક પર રેન્ડમ ચેકિંગ દરમિયાન જો ટ્રાફિક પોલીસના હેન્ડહેલ્ડ ડિવાઈસમાં તમારા વાહન પર જૂનું પેન્ડિંગ ઈ-મેમો દેખાય, તો પોલીસ અધિકારીને સ્થળ પર જ વાહન જપ્ત કરવાનો કાનૂની અધિકાર છે.
આથી જો તમારા વાહન પર પણ ઈ-મેમો બાકી હોય, તો તેનો ઓનલાઈન અથવા કોર્ટના માધ્યમથી તાત્કાલિક નિકાલ કરી લેવો હિતાવહ છે.