સત્ય. સાહસ. સંકલ્પ.

મંદિરની મિલકતના સરકાર માલિક નથી, સુપ્રીમ કોર્ટે તમિલનાડુને દંડ ફટકાર્યો

મંદિરની મિલકતના સરકાર માલિક નથી, સુપ્રીમ કોર્ટે તમિલનાડુને દંડ ફટકાર્યો

સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટના ચુકાદાને રદ કરીને સ્પષ્ટ કર્યું છે કે રાજ્ય સરકાર મંદિરની મિલકતોની માલિક નહીં, પરંતુ માત્ર સંરક્ષક (કસ્ટોડિયન) છે. કોર્ટે તમિલનાડુ સરકારને રૂ. 1 લાખનો દંડ ફટકાર્યો છે અને મંદિરની જમીનનું ભાડું ચૂકવવાનો આદેશ આપ્યો છે.

આ કેસ તમિલનાડુના ઈરોડ જિલ્લાના નાગપાલયમ મરિયમ્મન-પોન્નાચિયમ્મન મંદિર સાથે સંબંધિત છે. મંદિરના એક અસ્થાયી ટ્રસ્ટીએ 30 ઓગસ્ટ 2017ના રોજ ગિફ્ટ ડીડ દ્વારા મંદિરની 1 એકર 10 સેન્ટ જમીન તાલુક કાર્યાલય બનાવવા માટે સરકારને આપી દીધી હતી. આ ટ્રાન્સફરને કોર્ટમાં પડકારવામાં આવ્યું, પરંતુ માર્ચ 2019માં મદ્રાસ હાઈકોર્ટે તેને યોગ્ય ઠેરવીને અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો.

જસ્ટિસ પીએસ નરસિંહા અને જસ્ટિસ આલોક અરાધેની બેન્ચે ચુકાદો આપતા જણાવ્યું કે આ ગિફ્ટ ડીડ તમિલનાડુ હિન્દુ ધાર્મિક અને ચેરિટેબલ એન્ડોવમેન્ટ્સ (HR&CE) એક્ટ, 1959ની કલમ 41નું ઉલ્લંઘન કરે છે. આ કલમ ધાર્મિક સંસ્થાના નિભાવ માટે આપેલી જમીનને ગિફ્ટ તરીકે આપવા પર મનાઈ ફરમાવે છે. કોર્ટે કહ્યું કે મહેસૂલ વિભાગના અધિકારી દ્વારા મંદિરની જમીન ભેટ તરીકે સ્વીકારવી, ભલે તે જાહેર હિત માટે હોય, કાયદાના મૂળ ઉદ્દેશ્ય વિરુદ્ધ છે.

બેન્ચે ભારપૂર્વક જણાવ્યું કે દેવતાને સમર્પિત સંપત્તિ દાન આપનારની રહેતી નથી, પરંતુ દેવતા અને ભક્તોના સમુદાયની બની જાય છે. મંદિરની સંપત્તિ દેવતા માટે હોય છે, ટ્રસ્ટી દ્વારા મનસ્વી રીતે વહેંચવા માટે નહીં. ટ્રસ્ટીઓએ ધાર્મિક સંસ્થાઓનું સંચાલન અંગત વ્યવહારો જેટલી કાળજીથી કરવું જોઈએ.

સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારના વલણની ટીકા કરતાં કહ્યું કે ચાર વર્ષથી વધુ સમય સુધી મંદિરની જમીનને સરકારી સંપત્તિ ગણીને તેના પર બાંધકામ ચાલુ રાખવામાં આવ્યું. કોર્ટે 8 માર્ચ 2019થી અત્યાર સુધીનું માસિક રૂ. 31,000 લેખે ભાડું અને બાકી રકમ 3 મહિનામાં ચૂકવવાનો આદેશ આપ્યો છે. તાલુક કાર્યાલયનું બાંધકામ જાહેર નાણાંથી થઈ ગયું હોવાથી લીઝ રદ કરવામાં આવી નથી, પરંતુ દર 3 વર્ષે ભાડાની સમીક્ષા કરવાનો આદેશ અપાયો છે. વધુમાં રાજ્ય સરકાર પર રૂ. 1 લાખનો દંડ ફટકાર્યો છે, જે રકમ મંદિરને સોંપવામાં આવશે.