ચૂંટણી પંચની કાર્યવાહી અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સહિત ઘણા મુદ્દાઓ પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થઈ. આ સુનાવણીમાં કોર્ટે કેન્દ્ર સરકાર, રાહુલ ગાંધી, દિલ્હી પોલીસ અને ચૂંટણી પંચ સામે નોટિસ જારી કરી છે. સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતે રાહુલ ગાંધીને ફટકાર લગાવી હતી.
રાહુલ ગાંધી અને ઇન્ડિયા બ્લોકના નેતાઓએ ચૂંટણી પંચની કામગીરી પર સવાલો ઉઠાવતી અરજી દાખલ કરી હતી. આ અરજીની સુનાવણી વખતે વકીલ ગૌરવ ભાટિયાએ જણાવ્યું કે કોર્ટ પરિસરમાં જે ઘટના બની તેનાથી વકીલો આહત થયા છે. તેમણે સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનને પત્ર લખીને કોર્ટને ધમકાવવાનો પ્રયાસ થયો હોવાની ફરિયાદ કરી. આના જવાબમાં CJIએ કહ્યું, 'કોર્ટને કોઈ ધમકાવી શકે નહીં. લોકો બહાર કંઈ પણ બોલે છે, પરંતુ અદાલતમાં આવતાં તેમની ભાષા બદલાઈ જાય છે.'
વરિષ્ઠ વકીલ ઇન્દિરા જયસિંહે મહિલા પત્રકારોને પોલીસ કાર્યવાહીને કારણે થતી મુશ્કેલીઓ અંગે અરજી મૂકી. તેમણે કહ્યું કે મહિલા પત્રકારો માટે સુરક્ષિત માહોલ પૂરો પાડવો જોઈએ અને આ માટે એક કમિટીની રચના કરવી જોઈએ. તેમણે આરોપ લગાવ્યો કે પોલીસે મહિલા સાથે ઉત્પીડન કર્યું અને જ્યારે તેણે ફરિયાદ કરી ત્યારે પોલીસે તેની વિરુદ્ધ જ એસસી/એસટી એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. એસીપી વિવેક ભગતે આ અંગેની એફઆઈઆર નોંધાવી છે. ઇન્દિરા જયસિંહે દલીલ કરી કે પોલીસ પોતે પોતાના કેસની તપાસ ન કરી શકે, તેથી સ્વતંત્ર કમિટી બનાવવી જોઈએ.
આ મુદ્દે સોલિસિટર જનરલે કહ્યું કે તેઓ અરજદાર તરફથી સૂચવાયેલા કોઈ પણ નામ સાથે સહમત નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે મહિલા પત્રકારની ધરપકડ કરવામાં આવશે નહીં, પરંતુ તેઓએ તપાસમાં સહયોગ કરવો પડશે. કોર્ટે પહેલા સરકારનો જવાબ જોવો જોઈએ, ત્યારબાદ જરૂર પડે તો કમિટીની રચના કરવી જોઈએ.
સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધી સહિત 13 વિપક્ષી નેતાઓની SIR સંબંધિત અરજી પર ચૂંટણી પંચ, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને અન્ય ચૂંટણી કમિશનરોને નોટિસ જારી કરીને જવાબ માંગ્યો છે. આ અરજીમાં SIR દરમિયાન મતદારોના નામ હટાવવાની પ્રક્રિયાને પડકારવામાં આવી છે.
આ ઉપરાંત, અસદુદ્દીન ઓવૈસી જેવા નેતાઓ દ્વારા ચૂંટણી પંચને લગતી વિવિધ અરજીઓ પર પણ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને અન્ય પક્ષોને નોટિસ જારી કરી છે. કુલ મળીને કોર્ટે જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ, રાહુલ ગાંધીની અરજી, પત્રકારો સામેની એફઆઈઆર અને SIR સંબંધિત ચાર અરજીઓ પર સુનાવણી કરીને આ તમામ પક્ષકારોને નોટિસ જારી કરી છે.