નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે રેલવે સ્ટેશનના કાઉન્ટર પરથી ટિકિટ ખરીદીને મુસાફરી કરતા કરોડો મુસાફરોને મોટી રાહત આપી છે. સર્વોચ્ચ અદાલતે ભારતીય રેલવેને 27 ઓક્ટોબર 2026થી કાઉન્ટર પરથી લેવાયેલી દરેક ટિકિટ પર ઓનલાઇન ટિકિટની જેમ જ યાત્રા વીમો આપવા નિર્દેશ કર્યો છે. આ વ્યવસ્થા બે અઠવાડિયામાં અમલમાં મૂકવાનો આદેશ પણ કોર્ટે આપ્યો છે.
જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે રેલ યાત્રા દરમિયાન સામાન્ય નાગરિકોની સુરક્ષા અને અકસ્માતો રોકવા સંબંધિત મામલામાં આ આદેશ આપ્યો હતો. હાલમાં નજીવો વધારાનો ચાર્જ ભરીને માત્ર IRCTC પરથી ઓનલાઇન ટિકિટ ખરીદનારા મુસાફરોને જ આ વીમો મળે છે. કાઉન્ટર પરથી ટિકિટ ખરીદનારા લોકોને આ સુવિધાથી વંચિત રાખવા સામે બેન્ચે ગંભીર સવાલ ઉઠાવ્યા હતા.
બેન્ચે નોંધ્યું કે આર્થિક રીતે નબળા વર્ગના લોકો મોટી સંખ્યામાં સ્ટેશનના રિઝર્વેશન કાઉન્ટર પરથી ટિકિટ ખરીદે છે. તેમને આ સુરક્ષા કવચથી દૂર રાખવાનું કોઈ વ્યાજબી કારણ નથી. આ મુદ્દો કોર્ટના સહાયક (એમિકસ ક્યુરી) વરિષ્ઠ એડવોકેટ શિખિલ સૂરીએ ઉઠાવ્યો હતો. તેમના પગલે અદાલતે એડિશનલ સોલિસિટર જનરલ વિક્રમજીત બેનર્જી સમક્ષ ઓનલાઇન અને ઓફલાઇન ટિકિટધારકો વચ્ચેના આ ભેદભાવનું કારણ પૂછ્યું હતું.
અદાલતે સામાન્ય મુસાફરોની સલામતી જેવા સંવેદનશીલ મુદ્દે રેલવે અધિકારીઓના ઢીલા વલણ સામે નારાજગી વ્યક્ત કરી હતી. રેલવે દ્વારા માત્ર આશ્વાસનો આપવામાં આવે છે, પરંતુ જમીની સ્તરે અસરકારક સુધારો દેખાતો નથી. રેલવે સુરક્ષા માટે ફાળવવામાં આવેલા બજેટનો પણ યોગ્ય ઉપયોગ થયો નથી, તેમ બેન્ચે જણાવ્યું હતું.
સુપ્રીમ કોર્ટે રેલવે બોર્ડના અધ્યક્ષ અને સભ્યોને 16 નવેમ્બરના રોજ બપોરે 3 વાગ્યે કોર્ટ સમક્ષ વ્યક્તિગત રીતે હાજર રહેવાનો આદેશ આપ્યો છે. અદાલતે ચેતવણી આપી છે કે રેલવેના દાવા મુજબ જમીન પર કામગીરી નહીં દેખાય તો બોર્ડના અધ્યક્ષ અને તમામ સભ્યો અંગત રીતે જવાબદાર ગણાશે.
આ આદેશનો સીધો લાભ દેશના લાખો સામાન્ય અને ગરીબ વર્ગના મુસાફરોને મળશે, જેઓ મોટે ભાગે કાઉન્ટર પરથી જ ટિકિટ ખરીદે છે.