નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટ સંકુલમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક ગર્ભવતી મહિલા પત્રકારને ધક્કો માર્યાના આરોપ મામલે સર્વોચ્ચ અદાલતે તપાસ કરવાની ખાતરી આપી છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની બેન્ચે આ સમગ્ર ઘટનાની તપાસ કરશે.
સુનાવણી દરમિયાન ભાજપના વરિષ્ઠ વકીલ ગૌરવ ભાટિયાએ ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટનો હવાલો આપીને દાવો કર્યો કે 12 ઓક્ટોબરે અદાલત પરિસરમાં ભારે ભીડ વચ્ચે રાહુલ ગાંધીએ એક વ્યક્તિને આગળ ધકેલ્યો હતો, જે સીધો સામે ઊભેલી ગર્ભવતી મહિલા પત્રકાર પર પડ્યો હતો. આ ઘટના બાદ મહિલા પત્રકારની તબિયત લથડતાં તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ભાજપે આક્ષેપ કર્યો છે કે રાહુલ ગાંધીએ જાણીજોઈને ગર્ભવતી પત્રકાર સાથે આ પ્રકારનું વર્તન કર્યું હતું.
અદાલતમાં દલીલ કરતાં જણાવવામાં આવ્યું હતું કે પત્રકારો ભલે ગમે તે મુદ્દાનું કવરેજ કરતા હોય, તેમને પૂરતી સુરક્ષા મળવી જોઈએ. સામે પક્ષે વરિષ્ઠ વકીલ ઈન્દિરા જયસિંહે કોર્ટરૂમમાં રાજકારણ લાવવામાં આવી રહ્યું હોવાનો વાંધો ઉઠાવ્યો હતો. જોકે, ચીફ જસ્ટિસ સૂર્યકાંતે જણાવ્યું હતું કે અરજીમાં કરવામાં આવેલી તમામ ફરિયાદો અને આરોપોની અદાલત સંપૂર્ણ તપાસ કરશે.