સત્ય. સાહસ. સંકલ્પ.

સુપ્રીમ કોર્ટે કહ્યું: વિરોધ સ્થળ પર અનિશ્ચિત કાળ સુધી કબજો ન ચાલે, બીજા નાગરિકોના અધિકાર પણ જળવાય

સુપ્રીમ કોર્ટે કહ્યું: વિરોધ સ્થળ પર અનિશ્ચિત કાળ સુધી કબજો ન ચાલે, બીજા નાગરિકોના અધિકાર પણ જળવાય

સુપ્રીમ કોર્ટે મંગળવારે વિરોધ પ્રદર્શનને લઈને મહત્ત્વની ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું કે કોઈ પણ વિરોધ કરતું જૂથ નિર્ધારિત વિરોધ સ્થળ પર અનિશ્ચિત સમય સુધી કબજો જમાવી શકે નહીં. વિરોધ કરવાનો અધિકાર બીજા નાગરિકોના અધિકારો સાથે સંતુલિત હોવો જોઈએ.

દિલ્હીમાં વિરોધ પ્રદર્શનને કારણે વેપાર-ધંધા પર થતી અસર અંગે વેપારી સંગઠનોએ દાખલ કરેલી અરજીઓ પર સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ સૂર્યકાંતે આ ટિપ્પણી કરી હતી. ચીફ જસ્ટિસે કહ્યું, “તમે કોઈ સ્થળ પર હંમેશ માટે કબજો ન કરી શકો. ખેડૂતો, પત્રકારો વગેરે ક્યાં જશે? દરેકને વિરોધ કરવાનો અધિકાર છે. નિર્ધારિત સમયગાળા માટે જ વિરોધની મંજૂરી આપવી જોઈએ.”

તેમણે વધુમાં કહ્યું કે વિરોધ પ્રદર્શનની મંજૂરી આપતા કે નકારતા આદેશોમાં તેનાં કારણો સ્પષ્ટ રીતે જણાવવાં જોઈએ. કોઈ એક જૂથ વિરોધ કરી રહ્યું છે એટલે બીજા લોકોને ત્યાં વિરોધ કરતાં રોકી શકાય નહીં.

સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીઓમાં વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ દ્વારા કથિત બળપ્રયોગ, મોટા પાયે અટકાયત, મેટ્રો સ્ટેશનો બંધ કરવા અને ઇન્ટરનેટ બંધ કરવા જેવા મુદ્દા ઉઠાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત પ્રદર્શનને કારણે વેપાર-ધંધા પર પડતી અસર અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.

વેપારીઓના વકીલે કોર્ટને જણાવ્યું કે વિરોધ સ્થળની આસપાસના વિસ્તારોમાં લગભગ 50 લાખ લોકો રહે છે. તેમના દાવા પ્રમાણે, વિરોધ પ્રદર્શનને કારણે દુકાનો બંધ રહે છે અને કનોટ પ્લેસ વિસ્તારમાં ખરીદી માટે લગભગ કોઈ આવતું નથી.

દિવાળીના તહેવારો દરમિયાન વિરોધ પ્રદર્શન રોકવાની માગ કરતી કિરાના કમિટી દિલ્હીની અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને બીજા સંબંધિત સત્તાવાળાઓને નોટિસ જારી કરી હતી. જોકે, બેન્ચે કહ્યું કે વિરોધ પ્રદર્શનમાં સામેલ તમામ સંગઠનોને કેસમાં પક્ષકાર બનાવવામાં ન આવે ત્યાં સુધી વેપારીઓની ફરિયાદો પર નિર્ણય લઈ શકાય નહીં. કોર્ટે વેપારી સંગઠનોને મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) વિરુદ્ધના વિરોધ પ્રદર્શનના આયોજકોને પણ કેસમાં પક્ષકાર બનાવવા જણાવ્યું હતું.

કેન્દ્ર સરકારે થોડા દિવસ પહેલાં જ જંતર-મંતરને નિર્ધારિત વિરોધ સ્થળની યાદીમાંથી દૂર કર્યું હતું. તેના વિકલ્પ તરીકે રામલીલા મેદાન, બુરાડી ગ્રાઉન્ડ અને CBD ગ્રાઉન્ડને વિરોધ પ્રદર્શન માટેનાં સ્થળો તરીકે ઓળખવામાં આવ્યાં છે.