નવી દિલ્હી: ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા ડોક્ટરોને મોંઘી દવાઓ, ભેટો અને પ્રોત્સાહનો આપીને તેમની દવાઓ લખાવવાની અનૈતિક માર્કેટિંગ પ્રથાઓ સામે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે કેન્દ્ર સરકારને આ પ્રથાઓ પર અંકુશ મૂકવા માટે એક સમિતિ રચવાનો નિર્દેશ આપ્યો છે.
જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની ખંડપીઠે એક અરજીની સુનાવણી દરમિયાન આ આદેશ આપ્યો હતો. અરજીમાં માંગ કરવામાં આવી હતી કે અસરકારક કાયદો બને ત્યાં સુધી ફાર્મા કંપનીઓની અનૈતિક માર્કેટિંગ પ્રથાઓને નિયંત્રિત કરવા માટે સુપ્રીમ કોર્ટ માર્ગદર્શિકા નક્કી કરે.
અગાઉ 8 સપ્ટેમ્બરે કેન્દ્ર સરકારે કોર્ટને જણાવ્યું હતું કે ત્રણ સભ્યોની એક કમિટી બનાવવામાં આવી રહી છે. આ કમિટી ફાર્માસ્યુટિકલ કંપનીઓ અનૈતિક માર્કેટિંગ પ્રથાઓમાં સામેલ ન થાય તે માટે યોગ્ય કાનૂની માળખું તૈયાર કરવા અંગે સૂચનો આપશે. સરકારે કમિટીને રિપોર્ટ રજૂ કરવા બે મહિનાનો સમય માંગ્યો હતો.
કેન્દ્ર સરકારે કોર્ટને એ પણ જણાવ્યું કે કમિટીનો રિપોર્ટ આવે અને તેના આધારે નિર્ણય લેવામાં આવે ત્યાં સુધી ફાર્માસ્યુટિકલ માર્કેટિંગ પ્રેક્ટિસ માટેનો યુનિફોર્મ કોડ, 2024 અમલમાં રહેશે. સરકારે સ્વીકાર્યું કે ફાર્મા ક્ષેત્રમાં અનૈતિક માર્કેટિંગ પ્રથાઓ રોકવા માટે વર્તમાન વ્યવસ્થાને વધુ મજબૂત કરવાની જરૂર છે.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે કેન્દ્ર દ્વારા બનાવવામાં આવેલી કમિટી સૂચનો અને વિચારો પર વિચાર કરીને પોતાની ભલામણો ભારત સરકારને સુપરત કરશે. કેન્દ્ર સરકારના અનુપાલન એફિડેવિટ પર વિચારણા કરવા માટે કોર્ટે કેસની આગામી સુનાવણી 29 જાન્યુઆરીએ નક્કી કરી છે.