સુપ્રીમ કોર્ટે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ ઉપયોગ અંગે કેન્દ્ર સરકારને નોટિસ જારી કરી છે. 'જસ્ટ રાઇટ્સ ફોર ચિલ્ડ્રન અલાયન્સ' નામની સંસ્થાએ આ અરજી દાખલ કરી છે, જેમાં બાળકોની સુરક્ષા માટે કડક પગલાંની માંગ કરવામાં આવી છે.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે ફેસબુક અને સ્નેપચેટ જેવા લોકપ્રિય પ્લેટફોર્મ 13 વર્ષની ઉંમરથી જ એકાઉન્ટ બનાવવાની મંજૂરી આપે છે. પરંતુ ભારતીય કાયદા અનુસાર 18 વર્ષથી ઓછી ઉંમરના તમામ લોકો સગીર ગણાય છે. આથી બાળકોની સુરક્ષા જોખમમાં મુકાઈ રહી છે.
અરજીમાં માગ કરવામાં આવી છે કે માતા-પિતા કે કાનૂની વાલીની ફરજિયાત સંમતિ અને ઈ-કેવાયસી (e-KYC) જેવા ઉપાયો લાગુ કરવા જોઈએ. તેમજ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી રૂલ્સ, 2021માં સુધારો કરવા અથવા નવી ગાઈડલાઈન્સ બનાવવાની જરૂર છે. જેથી કોઈ પણ ડિજિટલ પ્લેટફોર્મ વાલીની સંમતિ વગર સગીર સાથે કોઈ કરાર ન કરે.
અરજીમાં એવી ગાઈડલાઈન્સની પણ માંગ કરવામાં આવી છે કે જ્યારે સગીરને ડિજિટલ પ્લેટફોર્મ વાપરવાની પરવાનગી આપવામાં આવે, ત્યારે તે વાલીઓની સક્રિય ભાગીદારીવાળી કાનૂની પ્રક્રિયા હેઠળ હોવી જોઈએ. આ પ્રક્રિયામાં સેવાની પ્રકૃતિ અને સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને માતા-પિતા કે વાલીનું વેરિફિકેશન અથવા ઈ-કેવાયસી સામેલ હોવું જોઈએ.
અરજીમાં ચેતવણી આપવામાં આવી છે કે ડિજિટલ પ્લેટફોર્મ્સ સુધી બાળકોની મુક્ત અને અનિયંત્રિત પહોંચ તેમને ઓનલાઈન ગ્રોમિંગ, યૌન શોષણ, તસ્કરી, વ્યવહારની પ્રોફાઇલિંગ, ખાનગી ડેટાનો દુરુપયોગ, સાયબર-બુલિંગ અને વયજૂથ પ્રમાણે યોગ્ય ન હોય તેવા કન્ટેન્ટ જેવા ગંભીર જોખમોમાં ધકેલે છે.