નવી દિલ્હી: 18 વર્ષથી ઓછી વયના સગીરો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મુકવાની શક્યતાઓ પર વિચારણા કરવા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને જણાવ્યું છે. કેન્દ્ર સરકારે આ ભલામણ સ્વીકારી લીધી છે અને કહ્યું છે કે સોશિયલ મીડિયા કંપનીઓ ભારતીય કાયદાઓનું પાલન કરે તે માટે નિયમો ઘડવામાં આવશે.
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને જોયમાલ્યા બાગચી, વી. મોહનાની બેંચે કેન્દ્ર સરકારને સૂચન કર્યું હતું કે સગીરો સોશિયલ મીડિયાનો ઉપયોગ ન કરી શકે તે માટે કાયદાકીય માળખું બનાવવામાં આવે. શક્ય હોય તો આ દિશામાં નિયમો પણ ઘડવામાં આવે.
કેન્દ્ર સરકાર તરફથી હાજર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમની આ ભલામણ સાથે સહમતિ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે આ દિશામાં પગલાં ભરી શકાય છે અને સોશિયલ મીડિયા કંપનીઓએ ભારતીય કાયદાઓનું પાલન કરવું જ પડશે.
બાળકો પર કામ કરતી એક સંસ્થાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજીમાં માગ કરવામાં આવી હતી કે સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવવા માટે માતા-પિતાની સહમતિ ફરજિયાત કરવામાં આવે. સાથે જ એકાઉન્ટ બનાવનારની ઓળખ ચકાસવા માટે KYC ફરજિયાત કરવામાં આવે.
અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે કેટલાક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 13 વર્ષ કે તેથી વધુ વયના બાળકોને પણ એકાઉન્ટ બનાવવાની છૂટ આપે છે. જ્યારે ભારતીય કાયદા મુજબ 18 વર્ષથી ઓછી વયના લોકોને સગીર ગણવામાં આવે છે.
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું હતું કે શું સોશિયલ મીડિયા સોફ્ટવેર ભારતીય કાયદાઓનું પાલન કરે તે માટે નિયમો ઘડી શકાય? જવાબમાં સોલિસિટર જનરલે કહ્યું હતું કે આ દિશામાં પગલાં ભરી શકાય છે. હાલમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આ અંગે વિચારણા કરવા જણાવ્યું છે.