સુપ્રીમ કોર્ટે સગીરોના સોશિયલ મીડિયા ઉપયોગ અંગે મહત્ત્વપૂર્ણ નિર્દેશ આપ્યો છે. કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું છે કે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયા પર પોતાના એકાઉન્ટ ન બનાવી શકે તે માટે અસરકારક પગલાં લેવામાં આવે.
‘જસ્ટ રાઇટ્સ ઓફ ચિલ્ડ્રન એલાયન્સ’ દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરતાં કોર્ટે જણાવ્યું કે હાલના ‘ઇન્ટરમીડિયરી રૂલ્સ’ (મધ્યસ્થી નિયમો)માં સગીરો અંગેની જોગવાઈ હોવા છતાં તેનો અસરકારક અમલ થતો નથી. અરજદાર વતી વરિષ્ઠ વકીલ એચ.એસ. ફૂલકાએ દલીલ કરી હતી કે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો કાયદેસર રીતે કરાર કરી શકતા નથી, પણ તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મની શરતો સ્વીકારીને એકાઉન્ટ બનાવે છે.
કોર્ટે કહ્યું કે સગીરોને સોશિયલ મીડિયાથી સંપૂર્ણપણે દૂર રાખવાને બદલે, માતા-પિતા કે કાયદેસર વાલીની સંમતિ અને દેખરેખ હેઠળ ચોક્કસ ઉંમર પછી મર્યાદિત ઉપયોગની મંજૂરી આપવાની વ્યવસ્થા પર વિચારણા કરવામાં આવે. આ માટે કેન્દ્ર સરકારે તમામ સોશિયલ મીડિયા કંપનીઓને સૂચના જારી કરવી જોઈએ.
અરજીમાં એવો આક્ષેપ પણ કરાયો હતો કે સગીરોને એકાઉન્ટ બનાવતા રોકવા માટે કોઈ અસરકારક વય-ચકાસણી પદ્ધતિ અમલમાં નથી. કોર્ટે અગાઉ પણ સગીરોની ઓનલાઇન સુરક્ષા માટે માર્ગદર્શિકાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. સપ્ટેમ્બરમાં થયેલી સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે ભારતમાં આ બાબતે સુરક્ષા પગલાં અમલમાં આવવા જોઈએ.