સર્વોચ્ચ અદાલતે લિફ્ટ અકસ્માત અંગે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે લિફ્ટને 'કોમન કેરિયર' (જાહેર પરિવહન સાધન) ગણાવી છે. આ ચુકાદા મુજબ, લિફ્ટ દુર્ઘટનામાં લિફ્ટ બનાવનાર કંપની, તેની જાળવણી કરતી એજન્સી અને જે બિલ્ડિંગમાં લિફ્ટ છે તેના માલિક કે મેનેજમેન્ટ—ત્રણેય સંયુક્ત રીતે જવાબદાર રહેશે. આ ત્રણેય પક્ષોએ મુસાફરોની સંપૂર્ણ સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ.
જસ્ટિસ પી.એસ. નરસિમ્હા અને જસ્ટિસ આલોક અરાધેની ખંડપીઠે ઓટિસ એલિવેટર કંપની (ઇન્ડિયા) લિમિટેડની અપીલ ફગાવી દીધી છે. સાથે જ રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ પંચ (NCDRC) ના 2014ના આદેશને યથાવત્ રાખ્યો છે.
આ કેસ 20 માર્ચ 2003ના રોજ નવી દિલ્હી સ્થિત RAW (રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ) ના મુખ્યાલયમાં બનેલા લિફ્ટ અકસ્માત સાથે સંબંધિત છે. તે દિવસે 13 અધિકારીઓ લિફ્ટ દ્વારા નીચે આવી રહ્યા હતા ત્યારે લિફ્ટ છઠ્ઠા અને સાતમા માળ વચ્ચે ફસાઈ ગઈ હતી. બચાવ કામગીરી દરમિયાન પૂર્વ રાજદ્વારી વિપિન હાંડા અડધા બહાર નીકળ્યા ત્યારે લિફ્ટ અચાનક નીચે ધસી પડી હતી. લિફ્ટ અને ફ્લોર વચ્ચે માથું કચડાઈ જતાં તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અન્ય અધિકારીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.
સુપ્રીમ કોર્ટે સ્વ. વિપિન હાંડાના પત્ની અને બે બાળકોને ₹3.01 કરોડનું વળતર ચૂકવવાનો આદેશ યથાવત્ રાખ્યો છે. આ રકમ પર 20 માર્ચ 2003થી 9% વાર્ષિક વ્યાજ અને જો 90 દિવસમાં ચૂકવણી ન થાય તો 12% વ્યાજ આપવાનો નિર્દેશ પણ કાયમ રાખ્યો છે.
કોર્ટે ટિપ્પણી કરી હતી કે લિફ્ટમાં પગ મૂક્યા પછી મુસાફર પોતાની સુરક્ષા સંપૂર્ણપણે તે યાંત્રિક પ્રણાલી પર છોડી દે છે. અકસ્માત બાદ પીડિત કે તેના પરિવાર પાસેથી એવી અપેક્ષા ન રાખી શકાય કે તેઓ સાબિત કરે કે કોનો કેટલો વાંક હતો. પીડિત પક્ષ કોઈપણ જવાબદાર પક્ષ પાસેથી પૂરા વળતરની માંગ કરી શકે છે અને ત્યારબાદ સંબંધિત પક્ષો અંદરોઅંદર પોતાની જવાબદારી નક્કી કરી શકે છે.
સુનાવણી દરમિયાન ઓટિસે દલીલ કરી હતી કે આ દુર્ઘટના બચાવ કામગીરી દરમિયાન થયેલી માનવીય ભૂલના કારણે બની હતી. જોકે, કોર્ટે નોંધ્યું કે લિફ્ટમાં લાંબા સમયથી ખામીઓ આવી રહી હતી અને ઓટિસને તેની સંપૂર્ણ જાણકારી હોવા છતાં તેણે લિફ્ટને અસુરક્ષિત જાહેર કરી નહોતી. આ સાથે મિલિટરી એન્જિનિયરિંગ સર્વિસ (MES) એ પણ મેન્ટેનન્સ કાર્યની યોગ્ય દેખરેખ રાખી ન હતી અને RAW મેનેજમેન્ટે વારંવારની ફરિયાદો છતાં જરૂરી પગલાં લીધાં નહોતાં. આથી અદાલતે NCDRC દ્વારા નક્કી કરાયેલ વળતર ચુકવણીનો ગુણોત્તર યથાવત્ રાખ્યો: ઓટિસ એલિવેટર કંપની 70%, મિલિટરી એન્જિનિયરિંગ સર્વિસ (MES) 25% અને RAW (મેનેજમેન્ટ) 5%.
આજના સમયમાં જમીનની અછતને કારણે શહેરો ઊંચાઈ તરફ વિસ્તરી રહ્યા છે અને લિફ્ટ રોજિંદા જીવનનું અનિવાર્ય અંગ બની ગઈ છે. લોકો જ્યારે સ્ટીલની નાની કેબિનમાં પ્રવેશે છે અને દરવાજા બંધ થાય છે, ત્યારે તેઓ પોતાના નિયંત્રણ બહારની સિસ્ટમ પર ભરોસો મૂકે છે. લિફ્ટમાં સહેજ આંચકો, અચાનક અટકી જવું કે અવાજ પણ લોકોમાં ભય પેદા કરી શકે છે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાએ ફરી સાબિત કર્યું છે કે લિફ્ટમાં સુરક્ષા માત્ર એક અપેક્ષા નહીં, પરંતુ દરેક મુસાફરને મળતી મૂળભૂત ગેરંટી હોવી જોઈએ.