સત્ય. સાહસ. સંકલ્પ.

દિવાળી પર ફટાકડા ફૂટશે, પણ સુપ્રીમ કોર્ટે સમયમર્યાદા અને શરતો સાથે મંજૂરી આપી

દિવાળી પર ફટાકડા ફૂટશે, પણ સુપ્રીમ કોર્ટે સમયમર્યાદા અને શરતો સાથે મંજૂરી આપી

દિવાળીના તહેવાર પહેલાં ફટાકડાના ઉપયોગ અંગે સુપ્રીમ કોર્ટે મહત્ત્વની ટિપ્પણી કરી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે દેશભરમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવશે નહીં. સાથે જ, ક્યાંય પણ 24 કલાક ફટાકડા ફોડવાની છૂટ આપી શકાય નહીં, કારણ કે તેનાથી બીમાર વ્યક્તિઓ, વૃદ્ધો અને નાના બાળકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડે છે.

સુનાવણી દરમિયાન જસ્ટિસ એમએમ સુંદરેશે જણાવ્યું હતું કે, દેશભરમાં સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાથી લોકોની ધાર્મિક લાગણીઓ દુભાઈ શકે છે. કોર્ટ સંપૂર્ણ પ્રતિબંધની તરફેણમાં નથી, પરંતુ ધાર્મિક લાગણી અને લોકોના સ્વાસ્થ્ય વચ્ચે સંતુલન જાળવવું જરૂરી છે. કોર્ટ એવો રસ્તો કાઢવા માંગે છે જે તમામ પક્ષો માટે સ્વીકાર્ય અને સંતુલિત હોય.

કોર્ટે જણાવ્યું કે, આગામી દિવસોમાં એવો ઉકેલ શોધવામાં આવશે જેમાં ફટાકડા ફોડવા માટે ચોક્કસ સમયમર્યાદા નક્કી કરવામાં આવે. આ સાથે કયા પ્રકારના ફટાકડા ફોડી શકાશે અને કયા ફટાકડા પર રોક લગાવવામાં આવશે તેની યાદી પણ સ્પષ્ટ કરવામાં આવશે, જેથી પ્રદૂષણ નિયંત્રણમાં રહે અને તહેવારની ઉજવણી પણ જળવાઈ રહે.

કોર્ટે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) અને કેન્દ્ર સરકારને ફટાકડામાં બેરિયમની હાજરી તપાસવા માટે વધુ ટેસ્ટ કરવાનો સમય આપ્યો છે. આ સાથે ફટાકડાના સંયુક્ત ફાયર ટેસ્ટ કરીને તેનો અવાજ (ડેસિબલ લેવલ) કેટલો રહે છે તે નક્કી કરવા પણ કહેવામાં આવ્યું છે, જેથી અવાજથી સ્વાસ્થ્ય પર થતી વિપરીત અસરો જાણી શકાય.

સુપ્રીમ કોર્ટે આ મામલે આગામી સુનાવણી 15 ઓક્ટોબરના રોજ નિયત કરી છે. ત્યાં સુધીમાં સીપીસીબી અને કેન્દ્ર સરકારે પોતાના ટેસ્ટના પરિણામો અને વિગતવાર અહેવાલ કોર્ટ સમક્ષ રજૂ કરવાના રહેશે. દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં દર વર્ષે દિવાળી સમયે વધતા વાયુ પ્રદૂષણ અને ધાર્મિક પરંપરા બંનેને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટનું આ સંતુલિત વલણ ખૂબ જ મહત્ત્વનું માનવામાં આવી રહ્યું છે.