સત્ય. સાહસ. સંકલ્પ.

દિલ્હી-NCRમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ નહીં: સુપ્રીમ કોર્ટે કહ્યું- જાગૃતિ માટે વિરાટ કોહલી જેવા સેલિબ્રિટીની મદદ લો

દિલ્હી-NCRમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ નહીં: સુપ્રીમ કોર્ટે કહ્યું- જાગૃતિ માટે વિરાટ કોહલી જેવા સેલિબ્રિટીની મદદ લો

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે તે દિલ્હી-NCRમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાના પક્ષમાં નથી, પરંતુ એક સંતુલિત આદેશ જારી કરશે. કોર્ટે કહ્યું કે ગેરકાયદેસર રીતે ફટાકડાનું વેચાણ કરનારા લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. સાથે જ લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે વિરાટ કોહલી જેવી જાણીતી હસ્તીઓનો ઉપયોગ કરવાનું સૂચન કર્યું છે.

કોર્ટે વધુમાં જણાવ્યું કે તે તહેવારોની ખુશીમાં ખલેલ પહોંચાડવા માંગતી નથી. નવી પેઢી ફટાકડાના નુકસાન અંગે પહેલેથી જ જાગૃત છે. પ્રદૂષણ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતાં કોર્ટે કહ્યું કે આ સમસ્યાના સ્થાયી ઉકેલ માટે ઉચ્ચ સ્તરે કામ કરવાની જરૂર છે.

દર વર્ષે આ પ્રકારના આદેશો બહાર પાડવા અંગે કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે નોંધ્યું કે આદેશોનું પાલન ઓછું થાય છે અને ઉલ્લંઘન વધુ જોવા મળે છે. માત્ર પ્રતિબંધથી કાયમી ઉકેલ શક્ય નથી.

સુનાવણીમાં દિલ્હી સરકારે જણાવ્યું કે તે પ્રદૂષણ નિયંત્રણ માટે ગંભીર છે. સરકાર ટૂંક સમયમાં બહારથી આવતા BS6 વાહનો પર પ્રતિબંધ, સરકારી કચેરીઓના સમયમાં ફેરફાર અને સ્મોગ ગનના વ્યાપક ઉપયોગ જેવા પગલાં લેશે.

કોર્ટના અમાઇકસ ક્યુરીએ ચેતવણી આપી કે ફટાકડાથી નીકળતા સૂક્ષ્મ કણો (PM 2.5) ફેફસાં અને લોહી દ્વારા શરીરના અન્ય ભાગોમાં પહોંચી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ સર્જી શકે છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે ગ્રીન ફટાકડા પણ સંપૂર્ણ પ્રદૂષણમુક્ત નથી; તેમનાથી ઓછું ઉત્સર્જન થાય છે, પણ હવાની ગુણવત્તા પર નકારાત્મક અસર પડે છે.